આજકાલ ChatGPT જેવા AI ચેટબોટ્સ લોકોના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે. પ્રશ્નોના જવાબ આપતા, ઇમેઇલ તૈયાર કરતા અથવા વાતચીતમાં ભાવનાત્મક ટેકો આપતા આ ટૂલ્સે કામ ઘણું સરળ બનાવી દીધું છે. માનવ જેવા પ્રતિભાવોને કારણે, લોકો તેમને વિશ્વસનીય માનીને મોટા પાયે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
પરંતુ સાયબર સુરક્ષા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આવા પ્લેટફોર્મ્સ પર વ્યક્તિગત અથવા સંવેદનશીલ માહિતી શેર કરવી જોખમી સાબિત થઈ શકે છે.
કઈ માહિતી ક્યારેય શેર ન કરવી?
તમારું પૂરું નામ, ઘરનું સરનામું, ઇમેઇલ ID અને ફોન નંબર
પાસવર્ડ્સ (ફક્ત સુરક્ષિત પાસવર્ડ મેનેજરમાં જ સેવ કરવા)
આરોગ્ય સંબંધિત માહિતી (લક્ષણો, દવાઓ, તબીબી ઇતિહાસ અથવા વીમા વિગતો)
ઓળખ પુરાવા દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ફોટો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એકવાર આ માહિતી લીક થઈ જાય તો તેનો ઉપયોગ છેતરપિંડી, ફિશિંગ હુમલા અથવા ટ્રેકિંગ માટે થઈ શકે છે.
ડિજિટલ જોખમો પર ખાસ ધ્યાન
સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે જો સંવેદનશીલ દસ્તાવેજો AI ચેટબોટ પર અપલોડ કરવામાં આવે તો, ભલે તે ડિલીટ કરી દેવામાં આવે, તેમ છતાં તેનો ડિજિટલ રેકોર્ડ રહી શકે છે. હેકર્સ તેનો દુરૂપયોગ કરી શકે છે. તેથી આવા દસ્તાવેજો હંમેશા સુરક્ષિત, એન્ક્રિપ્ટેડ અને ઑફલાઇન સ્ટોરેજમાં જ રાખવા જોઈએ.
સલામત ઉપયોગ માટે સૂચનો
AI ચેટબોટ્સ પર માત્ર જનરલ માહિતી શેર કરો
તબીબી સલાહ માટે હંમેશા અધિકૃત સ્ત્રોત અથવા ડૉક્ટરનો સંપર્ક કરો
ફાઇનાન્સિયલ અને કાનૂની દસ્તાવેજો ઑનલાઇન ક્યારેય અપલોડ ન કરો
નિયમિત રીતે સાયબર હાઈજિન જાળવો અને સાવચેતી રાખો
નિષ્ણાતોનો સ્પષ્ટ સંદેશ છે કે – AI ચેટબોટ્સનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. નાની બેદરકારી પણ વ્યક્તિગત જીવન અને નાણાકીય સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે.