તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં, કેન્દ્ર સરકારે GST માળખામાં મોટો સુધારો કર્યો છે. હવે ટીવી, એસી, વોશિંગ મશીન અને ફ્રિજ જેવી મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પહેલા કરતા સસ્તી મળશે. સરકારે ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18% અને 28%) ઘટાડીને ફક્ત બે દર 5% અને 18% કર્યા છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે.
ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સસ્તા થશે?
નવા GST માળખાથી ઘરેલુ ઉપકરણો અને ટેક ઉત્પાદનોના ભાવમાં 6% થી 10% ઘટાડો થઈ શકે છે. પહેલા આ ઉત્પાદનો પર 28% ટેક્સ લાગતો હતો, જ્યારે હવે ફક્ત 18% ટેક્સ ચૂકવવો પડશે. આનાથી AC, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને મોટી સ્ક્રીન ટીવી સસ્તા થશે અને તહેવારોની ખરીદીમાં લોકોને મોટો ફાયદો મળશે.
AC પર રાહત
હવે એર કંડિશનર ખરીદતી વખતે તમારે 28% ને બદલે ફક્ત 18% GST ચૂકવવો પડશે. ગ્રાહકો સામાન્ય AC મોડલ પર લગભગ 1,500 થી 2,500 રૂપિયા બચાવી શકે છે. આનો અર્થ એ છે કે, આ દિવાળી પર તમે પહેલા કરતાં સસ્તા ભાવે ઠંડી હવાનો આનંદ માણી શકશો.
મોટા ટીવી મોડલો સસ્તા
32 ઇંચથી મોટા ટીવી પર ફક્ત 18% GST લાગશે. ઉદ્યોગનો અંદાજ છે કે, ટેક્સ ઘટાડાથી મોટી સ્ક્રીન ટીવીના વેચાણમાં 20 ટકાનો વધારો થઈ શકે છે. દિવાળી અને નવરાત્રિ પર ઉપલબ્ધ ઑફર્સમાં ગ્રાહકોને આનો સીધો લાભ મળશે.
સ્માર્ટફોન અને ગેજેટ્સ પર અસર
સ્માર્ટફોન અને ટેબ્લેટ પર ટેક્સ સીધો ઘટાડવામાં આવ્યો નથી. પરંતુ બજારના એક્સપર્ટસ કહે છે કે, GST માળખું સરળ બનાવવા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં ભાવમાં ઘટાડાનાં કારણે ગેજેટ્સની કિંમતોમાં પણ 8% થી 10% નો ઘટાડો જોવા મળી શકે છે.
દિવાળીની ખરીદી પર બેવડો ફાયદો
નવરાત્રી પહેલા લાગુ થનારા નવા GST દરનો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને દિવાળીની ખરીદી દરમિયાન મળશે. આ સમયે ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, આ વખતે ટેક્સ ઘટાડાને કારણે, ગ્રાહકોને ટીવી, એસી અને ફ્રિજ જેવી મોટી પ્રોડક્ટસ શ્રેષ્ઠ કિંમતે મળશે.