પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુરના પ્રવાસે છે, ખરાબ હવામાન કારણે તેઓ રોડ માર્ગે દોઢ કલાકની મુસાફરી કરીને સ્થળ પર પહોંચ્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે અને ૩૦૦૦ કરોડ રૂપિયાના ખાસ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ સાથે તેમણે મણિપુરના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી છે અને તેમની સમસ્યાઓ સાંભળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે, હવે 21મી સદીનો આ સમય ઉત્તર પૂર્વનો સમય છે.
'21મી સદીનો આ સમય ઉત્તર પૂર્વનો સમય છે'
જાહેર સભાને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 21મી સદીનો આ સમય ઉત્તર પૂર્વનો સમય છે, તેથી ભારત સરકારે મણિપુરના વિકાસને સતત પ્રાથમિકતા આપી છે. મણિપુરનો વિકાસ દર સતત વધી રહ્યો છે. 2014 પહેલા મણિપુરનો વિકાસ દર એક ટકા કરતા પણ ઓછો હતો. હવે મણિપુર પહેલા કરતા અનેક ગણી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મણિપુરમાં માળખાગત વિકાસનો એક નવો યુગ શરૂ થયો છે. મણિપુરમાં રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની ગતિ પણ અનેકગણી વધી ગઈ છે. અહીંના દરેક ગામને વીજળી પહોંચાડવા માટે પણ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
'મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગે આગળ ધપાવવું પડશે'
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા આપણા પૂર્વજો અને આપણી ભાવિ પેઢીઓ સાથે એક મોટો અન્યાય છે. તેથી આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગે આગળ ધપાવવું પડશે અને આપણે સાથે મળીને આ કાર્ય કરવું પડશે. આપણે ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને ભારતના સંરક્ષણમાં મણિપુરના યોગદાનમાંથી પ્રેરણા લેવી પડશે. તે મણિપુરની ભૂમિ હતી જ્યાં આઝાદ હિંદ ફોજે પહેલીવાર ત્રિરંગો લહેરાવ્યો હતો. નેતાજી સુભાષ બોઝએ મણિપુરને ભારતની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. આ ભૂમિએ ઘણા વીર બલિદાન આપ્યા છે. અમારી સરકાર મણિપુરના આવા દરેક મહાન વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને આગળ વધી રહી છે. અમારી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં માઉન્ટ હેરિયેટનું નામ બદલીને માઉન્ટ મણિપુર રાખવામાં આવ્યું છે. આ મણિપુરી સ્વતંત્રતા સેનાનીઓને ભારતના 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.
‘પાકિસ્તાની સેના આપણા સૈનિકોની શક્તિથી ડરી ગઈ’
તેમણે કહ્યું કે મણિપુરના ઘણા દીકરાઓ દેશના વિવિધ ભાગોમાં ભારત માતાની રક્ષામાં રોકાયેલા છે. તાજેતરમાં, વિશ્વએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની શક્તિ જોઈ છે. આપણા સૈનિકોએ એવી લડાઈ વડી હતી કે પાકિસ્તાની સેના ડરી ગઈ. ભારતની આ સફળતામાં મણિપુરના ઘણા બહાદુર દીકરાઓ અને દીકરીઓની બહાદુરી પણ સામેલ છે. તેવી જ રીતે હું આપણા બહાદુર શહીદ દીપક ચિંગખામની બહાદુરીને પણ સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ હંમેશા તેમના બલિદાનને યાદ રાખશે. મેં કહ્યું હતું કે મણિપુરી સંસ્કૃતિ વિના ભારતીય સંસ્કૃતિ અધૂરી છે અને મણિપુરના ખેલાડીઓ વિના, ભારતની રમત પણ અધૂરી છે. મણિપુરના યુવાનો તિરંગાના ગૌરવ માટે તન, મન અને ધનથી સમર્પિત છે.