યુક્રેને વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ નિકાસકાર રશિયાની રિફાઇનરીઓ પર ડ્રોન હુમલો કર્યો. યુક્રેને શનિવારે મોડી રાત્રે 361 ડ્રોનથી રશિયા પર મોટો હુમલો કર્યો. આ હુમલામાં રશિયાના ઉત્તર પશ્ચિમમાં સ્થિત વિશાળ કિરીશી તેલ રિફાઇનરીમાં આગ લાગી. રવિવારે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રશિયન અને યુક્રેનિયન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી. યુક્રેનના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે વિસ્ફોટ અને આગના અહેવાલો છે. તેમણે એક તસવીર શેર કરી હતી, જેમાં રાત્રિના આકાશમાં ઉંચી જ્વાળાઓ અને ધુમાડો દેખાય છે.
કિરીશી તેલ રિફાઇનરી ઉપર યુક્રેનિયન ડ્રોન હુમલો
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાની બે મુખ્ય રિફાઇનરીઓમાંથી એક, કિરીશી તેલ રિફાઇનરી, યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલાનું લક્ષ્ય હતી. લેનિનગ્રાડ પ્રદેશના ગવર્નર એલેક્ઝાન્ડર ડ્રોઝડેન્કોએ જણાવ્યું હતું કે, કિરીશી વિસ્તારમાં ત્રણ ડ્રોન નાશ પામ્યા હતા અને કાટમાળમાંથી લાગેલી આગ બુઝાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, કોઈ જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે કિરીશી વાર્ષિક આશરે 17.7 મિલિયન મેટ્રિક ટન (355,000 બેરલ પ્રતિદિન) ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે, જે દેશના કુલ તેલના 6.4% છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઓછામાં ઓછા 361 ડ્રોનને તોડી પાડ્યા છે, જેમાં ચાર માર્ગદર્શિત હવાઈ બોમ્બ અને યુએસ-નિર્મિત HIMARS મિસાઇલનો સમાવેશ થાય છે.
યુક્રેન સાથેના યુદ્ધને સમાપ્ત કરવા દબાણ
નોંધપાત્ર રીતે, અમેરિકાએ રશિયાની આવક ઘટાડવા અને યુક્રેન સાથેના યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે રશિયા પર ઊર્જા પ્રતિબંધોને વધુ કડક કરવા માટે નાટો દેશો પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે, અમેરિકા રશિયા પર નવા ઊર્જા પ્રતિબંધો લાદવા માટે તૈયાર છે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે બધા નાટો દેશો રશિયન તેલ ખરીદવાનું બંધ કરે અને સમાન પગલાં લાગુ ભરે. યુરોપિયન યુનિયને ગયા અઠવાડિયે 2028 સુધીમાં રશિયન તેલ અને ગેસની આયાતને તબક્કાવાર બંધ કરવાની સમયમર્યાદા નક્કી કરી હતી, જ્યારે યુએસ આ દિશામાં ઝડપથી આગળ વધવા માટે દબાણ કરી રહ્યું છે.