મંત્રીમંડળની નિમણૂક સમિતિએ વરિષ્ઠ અધિકારી IAS (નિવૃત્ત) અમિત ખરેને ભારતના ઉપરાષ્ટ્રપતિના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક સચિવ પદના પદના રેન્ક અને પગાર ધોરણમાં ત્રણ વર્ષના સમયગાળા માટે કરાર આધારિત રહેશે, જે કાર્યભાર સંભાળ્યાની તારીખથી અમલમાં આવશે. અમિત ખરે 1985 બેચના ઝારખંડ કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે.
કરાર આધારિત ૩ વર્ષના સમયગાળા માટે નિમણૂક
મંત્રીમંડળની નિમણૂક સમિતિએ 1985 બેચના નિવૃત્ત IAS અમિત ખરેની ઉપરાષ્ટ્રપતિના સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, IAS અમિત ખરે (નિવૃત્ત) અધિકારીને સચિવ પદના રેન્ક અને પગાર ધોરણમાં ત્રણ વર્ષના સમયગાળા માટે કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે, જે કાર્યભાર સંભાળ્યાની તારીખથી અમલમાં આવશે. અમિત ખરેને કેન્દ્ર સરકારના સચિવના પદ અને પગાર ધોરણ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. જોકે, જરૂર પડ્યે સરકાર તેમાં ફેરફાર કરી શકે છે.
બિહાર-ઝારખંડ સાથે જૂનો સંબંધ
અમિત ખરેનો જન્મ 14 સપ્ટેમ્બર 1961ના રોજ બિહારમાં થયો હતો. તેઓ ઝારખંડ કેડરના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (1985 બેચ) અધિકારી છે. તેમણે 1977માં હિનુના કેન્દ્રીય વિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું અને પછી દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક થયા. તેમના એક મોટા ભાઈ અતુલ ખરે પણ ભારતીય વિદેશ સેવા અધિકારી છે. તેઓ PM મોદીના સલાહકાર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારમાં માહિતી અને પ્રસારણ સચિવ અને શિક્ષણ સચિવ તરીકે સેવા આપી છે. તેમણે શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બિહારના ઘાસચારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તેમની ભૂમિકા માટે પણ જાણીતા છે.