લંડનમાં એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. લંડનમાં એક લાખથી વધુ લોકો મધ્ય વિસ્તારમાં રસ્તા પર ઉતર્યા અને પ્રદર્શન કર્યું અને ઇમિગ્રેશન વિરોધી કૂચ કાઢી. જેનું નેતૃત્વ ઇમિગ્રેશન વિરોધી કાર્યકર્તા ટોમી રોબિન્સન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન ઘણા પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો...ત્યારે પ્રશ્ન એ ઉભો થયો કે લંડનની શેરીઓમાં આટલી મોટી ભીડ કેમ એકઠી થઈ અને આ ભીડ શું ઇચ્છે છે?
આ પ્રદર્શનનું કારણ શું ?
પ્રદર્શનનું મુખ્ય કારણ લંડનમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા છે. લંડનની શેરીઓમાં તેમના વિરુદ્ધ ઇમિગ્રેશન વિરોધી કૂચ યોજાઈ હતી. તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં એક પ્રદર્શન તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં યુરોપના પ્રભાવશાળી વ્યક્તિઓ અને ઘણા રાઈટ વિંગ રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલા મોટાભાગના ભાષણો મુખ્યત્વે સ્થળાંતરના જોખમો પર કેન્દ્રિત હતા. આ એક એવી સમસ્યા છે જેને નિયંત્રિત કરવા માટે મોટાભાગના લોકો સંઘર્ષ કરી રહ્યા છે.
આ સમય દરમિયાન, એક રાઈટ વિંગ ફ્રેન્ચ રાજકારણી એરિક ઝેમોરે કહ્યું, "આપણે બંને એક જ પ્રક્રિયાનો ભોગ બની રહ્યા છીએ, જેમાં આપણા યુરોપિયન લોકોને દક્ષિણ અને મુસ્લિમ સંસ્કૃતિથી આવતા લોકો દ્વારા બદલવામાં આવ્યા છે, તમે અને આપણે આપણી ભૂતપૂર્વ વસાહતો દ્વારા વસાહતી બની રહ્યા છીએ."
પોલીસ શું કહે છે?
પોલીસના જણાવ્યા અનુસાર, આ કૂચ 'યુનાઇટ ધ કિંગડમ' કૂચના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિરોધીઓ ઇમિગ્રેશન વિરોધી કૂચ હેઠળ એકઠા થયા હતા. પોલીસ કહે છે કે આ કૂચમાં 1 લાખ 10 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે પોલીસ પર હુમલાનો મામલો વેગ પકડ્યો, ત્યારે 9 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ અન્ય લોકોની શોધ કરી રહી છે.
આ સમય દરમિયાન "સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ" દ્વારા બીજી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું જે "ફાંસીવાદ વિરુદ્ધ માર્ચ" નો વિરોધ હતો. લગભગ 5,000 લોકોએ તેમાં ભાગ લીધો હતો.
ટોમી રોબિન્સન કોણ છે? તેમણે ભીડને શું કહ્યું?
ટોમી રોબિન્સને વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તેમનું સાચું નામ સ્ટીફન યેક્સલી-લેનન છે. તેમણે રાષ્ટ્રવાદી અને ઇસ્લામ વિરોધી ઇંગ્લિશ ડિફેન્સ લીગની સ્થાપના કરી હતી અને બ્રિટનના સૌથી પ્રભાવશાળી રાઈટ વિંગ નેતાઓમાંના એક છે. તેમણે કહ્યું, "બ્રિટિશ હોવું એ એક સુંદર બાબત છે અને હું અહીં જે જોઈ રહ્યો છું તે બ્રિટનનો વિનાશ છે, શરૂઆતમાં ધીમે થતો વિનાશ, પરંતુ મોટા પાયે અનિયંત્રિત સ્થળાંતર સાથે, બ્રિટનનું ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે."
રોબિન્સને ભારે અવાજમાં ભીડને કહ્યું કે ઇમિગ્રન્ટ્સને હવે કોર્ટમાં "બ્રિટિશ લોકો, આ રાષ્ટ્રના સર્જકો" કરતાં વધુ અધિકારો છે. રોબિન્સનના સમર્થકોએ મધ્ય-ડાબેરી લેબર પાર્ટીના નેતા, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને હત્યા કરાયેલા અમેરિકન રૂઢિચુસ્ત કાર્યકર ચાર્લી કિર્કના સમર્થનમાં મેસેજ પણ આપ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં પણ આવી જ એક કૂચ યોજાઈ છે. અગાઉ, ઓગસ્ટ 2025 માં, ઓસ્ટ્રેલિયામાં "માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા" નામની ઇમિગ્રેશન વિરોધી રેલીઓ યોજાઈ હતી, જેમાં હજારો લોકો સિડની, મેલબોર્ન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતર્યા હતા. આ વિરોધ પણ ચર્ચાનો વિષય બન્યો અને તેનાથી સંબંધિત સમાચારોએ વિશ્વભરના મીડિયા હાઉસમાં હેડલાઇન્સ બનાવી.
