logo-img
Navratri 2025 Garba In New Jersey Usa

અમેરિકામાં શ્રાદ્ધના દિવસોમાં નવરાત્રી : ગુજરાતી ગરબા કલાકારોને શ્રાદ્ધના દિવસો વિદેશમાં ફળ્યા

અમેરિકામાં શ્રાદ્ધના દિવસોમાં નવરાત્રી
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 05:00 AM IST

Senior Journalist Sameer Shukla - New Jersey USA

અમેરિકાના ન્યુ જર્સીમાં આજકાલ શ્રાદ્ધના દિવસોમાં નવરાત્રીના ગરબા થઈ રહ્યા છે. આમ તો મા અંબાની પૂજા અર્ચના 22 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈને 1 ઓક્ટોબર, 2025 સુધી થશે જેને શારદીય નવરાત્રી કહેવાય છે.

પરંતુ ગુજરાતના કલાકારો શ્રાદ્ધના દિવસોમાં અમેરિકામાં નવરાત્રીનો કાર્યક્રમ યોજી ગરબાની ધૂમ મચાવી રહ્યાં છે. આમ તો શ્રાદ્ધના દિવસોમાં નવરાત્રી ઉત્સવ ના યોજાય, મા અંબાની પૂજા ના થાય, પરંતુ જો ડોલર કે પાઉન્ડ કમાવવા મળતા હોય, તો આ કલાકારોને ગરબા ગવડાવવાનો કોઈ બાધ નડતો નથી.

કિંજલ દવે સહિતના કલાકારો દર વર્ષે શ્રાદ્ધના દિવસોમાં અમેરિકા આવે છે અને નવરાત્રી પહેલા નવરાત્રીના ગરબા ગાય છે. કારણ કે નવરાત્રી શરૂ થાય એટલે આ કલાકારો ભારતના અલગ અલગ શહેરોમાં ગરબાની ધૂમ મચાવતા હોય છે.

કિંજલ દવે, જેને 'ગરબા ક્વીન' તરીકે ઓળખવામાં આવે છે, તેણે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ એડિસન એક્સપો હોલ, ન્યુ જર્સી કન્વેન્શન અને એક્સપોઝિશન સેન્ટરમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું. આ 'એડિસન એક્સપો નવરાત્રી 2025 નામના મેગા ઇવેન્ટનો ભાગ હતો.

હજારો લોકો ગરબા ગાવા ઉમટી પડ્યા. એક ટિકિટની કિંમત 40 થી 50 ડોલર હતી. આમ છતાં આટલી ઊંચી કિંમતની ગરબાની ટિકિટ ખરીદીને અનેક લોકો એ ગ્રુપમાં ટિકિટ ખરીદી અને ગરબા-દાંડિયાની મોજમાં ડૂબી ગયા.

આ ઇવેન્ટમાં કિંજલ દવે ઉપરાંત અન્ય કલાકારો જેમ કે ગીતા રબારી (12 સપ્ટેમ્બર 2025), ભૂમિ ત્રિવેદી (19 સપ્ટેમ્બર 2025), પાર્થ દોશી (20 સપ્ટેમ્બર 2025), રેક્સ ડીસોઝા (26 સપ્ટેમ્બર 2025), ઐશ્વર્યા મજમુદાર (3 ઓક્ટોબર 2025) અને કીર્તિદાન ગઢવી (4 ઓક્ટોબર 2025) પણ પર્ફોર્મ કરશે...

A2Z Entertainment USA Inc. દ્વારા નવરાત્રીને એક ઇવેન્ટ તરીકે યોજવામાં આવે છે. જે દર વર્ષે યોજાય છે. જેમાં વાઇબ્રન્ટ બીટ્સ, LED સ્ટેજ ઇફેક્ટ્સ અને મસ્ટર ડાન્સ ફ્લોરની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઇવેન્ટના ટિકિટ્સ ઝડપથી વેચાઈ જતી હોય છે, કારણ કે ગરબા રસિકોને ખબર હોય છે કે શ્રાદ્ધ બાદ આ કલાકારો અમેરિકા નહીં આવે. તેઓ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ગરબા મહોત્સવના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ જશે, એટલે નવરાત્રીએ અમેરિકામાં કમાણી કરવાનો એક મોટો ધંધો બની ગયો છે. લાખો ડોલરનું રોકાણ થાય છે અને ઇવેન્ટ કંપનીઓ તેમાંથી અઢળક કમાણી કરે છે. આ દર્શાવે છે કે ન્યુ જર્સી સહિત અમેરિકાના અન્ય રાજ્યોમાં મનાવાતો નવરાત્રી ગરબાનો કાર્યક્રમ માત્ર કમાણીનું સાધન બની ગયો છે. તેને મા અંબાની આરાધના સાથે સીધો કોઈ સંબંધ નથી. પરંતુ ધાર્મિક કાર્યક્રમના માધ્યમથી ઇવેન્ટ કંપનીઓ લાખો કરોડો ડોલરનો ધંધો કરી લે છે. અંતે તો બતાવવામાં એવું જ આવે છે કે વિદેશમાં ભારતીયો પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.

કોઈ વ્યક્તિ કે સંસ્થા ધાર્મિક કાર્યક્રમોના આયોજનથી કમાણી કરે તેમાં વાંધો નથી પરંતુ જે તિથિ કે નક્ષત્રમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવું જોઈએ તેના બદલે અન્ય કોઈ તિથિમાં જ જે તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય તે યોગ્ય નથી. આવા ધાર્મિક કાર્યક્રમો થકી આવા આયોજકોનો ઉદ્દેશ માત્ર કમાણી કરવાનો જ હોય તો તેનાથી કેટલાક સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો દુઃખી જરૂર થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now