પંજાબના પ્રવાસે રહેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સોમવારે (15 સપ્ટેમ્બર) ગુરદાસપુર જિલ્લામાં રાવી નદીની પારે આવેલા એક ગામમાં જતા અટકાવવામાં આવ્યા ત્યારે વિવાદ સર્જાયો હતો. રાહુલ ગાંધી અમૃતસર અને ગુરદાસપુર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા હતા. તેમણે અમૃતસરના ઘોનવાલ ગામ અને ગુરદાસપુરના ગુરચક ગામની મુલાકાત લીધી અને ત્યાં પૂર પીડિતોને મળ્યા, પરંતુ જ્યારે તેઓ રાવી નદીની પેલે પાર આવેલા સરહદી ગામ તૂર જવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.
રાહુલ ગાંધી અને પોલીસ અધિકારી 'સામસામે'!
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં રાહુલ ગાંધી પોલીસ અધિકારીઓને સવાલ કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું "તમે મને કહી રહ્યા છો કે તમે મને ભારતીય ધરતી પર સુરક્ષિત રાખી શકતા નથી. શું તમે આ કહેવા માંગો છો?" પોલીસ અધિકારીએ જવાબ આપ્યો, "અમે હંમેશા તમારી સુરક્ષા માટે તૈયાર છીએ." જેના પર રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું, "તો પછી તમે કેમ કહી રહ્યા છો કે આ ભારતનો પ્રદેશ છે અને તમે મને ત્યાં સુરક્ષિત રાખી શકતા નથી? શું તે ભારત નથી?" આ દરમિયાન તેમની સાથે પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ અને સાંસદ સુખજિંદર રંધાવા પણ હાજર હતા.
કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા
પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વારિંગે કહ્યું કે, રાહુલ ગાંધી ફક્ત લોકોને મળવા અને તેમની સમસ્યાઓ સાંભળવા માંગતા હતા, પરંતુ પોલીસે તેમને સુરક્ષાના કારણોસર રોક્યા. તેમણે પ્રશ્ન કર્યો, "જો રાહુલ ગાંધીને ભારતમાં પાકિસ્તાનથી ખતરો છે અને તેઓ અહીં પણ સુરક્ષિત નથી, તો તેઓ ક્યાં સુરક્ષિત રહેશે?" પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ પંજાબ સરકાર પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો છેલ્લા ત્રણ દિવસથી ત્યાં મેડિકલ કેમ્પ ચલાવી રહ્યા છે, છતાં રાહુલ ગાંધીને પૂરગ્રસ્ત પરિવારોને મળવા દેવામાં આવ્યા નથી. કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ તેને શરમજનક અને અસંવેદનશીલ ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે તે સુરક્ષાનો મુદ્દો નથી પરંતુ રાજકીય નિર્ણય છે, જેથી સરકાર જવાબદારીમાંથી છટકી શકે. તેમણે કહ્યું, "સરહદ નજીક રહેતા લોકો પણ આપણા દેશવાસીઓ છે. ફક્ત સરહદ નજીક રહેતા હોવાથી, તેનો અર્થ એ નથી કે તેઓ મદદ મેળવવાના હકદાર નથી."
વિપક્ષે AAP સરકાર પર નિશાન સાધ્યું
કોંગ્રેસના નેતાઓએ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર અને કેન્દ્રમાં ભાજપ સરકાર પર હુમલો કર્યો અને આરોપ લગાવ્યો કે બંને પક્ષોના નેતાઓ હજુ સુધી સરહદ પરના પૂરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા નથી. સોમવારે પંજાબના ગુરદાસપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી. રાહુલ ગાંધી ગુરદાસપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા ગયા હતા. પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગામો તરફ આગળ વધતા જ SP જુગરાજ સિંહે તેમને સુરક્ષાના કારણો જણાવીને રોક્યા. SPએ રાહુલ ગાંધીને કહ્યું કે, આગળ પાકિસ્તાન સરહદ છે અને ફેન્સીંગ તૂટેલી છે. જેના પર રાહુલ ગાંધીએ SPને કહ્યું કે તમે ભારતીય ક્ષેત્રમાં મારું રક્ષણ કરી શકતા નથી, તેથી મને આગળ વધતા અટકાવવો છો. SPએ જવાબ આપ્યો કે ત્યાં સુરક્ષાની ચિંતા છે.