Home International Fire Tragedy In Indore 4 Cylinders Explode Due To Ev Charging Short Circuit Businessmans Family Burnt Alive

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ : કારના ડિજિટલ લોક ખુલ્યા નહીં અને જીવતા ભુજાયા 8 લોકો, હજુ 4 ગંભીર

EV Users સાવધાન! ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ વખતે લાગી ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:31 AM IST

ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં બુધવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના ઘટી છે. શહેરના બંગાળી ચોકડી પાસે આવેલી ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં એક ત્રણ માળના મકાનમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના પાછળનું પ્રાથમિક કારણ ઘરની બહાર ચાર્જિંગમાં મૂકાયેલી ઇલેક્ટ્રિક કારમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જોતજોતામાં આગે આખા ઘરને લપેટમાં લીધું હતું અને ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરો એક પછી એક ફાટવા લાગતા આખો વિસ્તાર ધડાકાઓથી ધણધણી ઉઠ્યો હતો.

આ આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. મૃતકોમાં જાણીતા બિઝનેસમેન મનોજ પુગલિયા અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ઘરમાં ઇલેક્ટ્રોનિક લોક સિસ્ટમ હોવાથી આગ લાગ્યા બાદ વીજ પુરવઠો ખોરવાતા દરવાજા ખુલ્યા ન હતા, જેના કારણે અંદર ફસાયેલા લોકો મોતને ભેટ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જેઓ હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ચાર્જિંગ પોઈન્ટમાં બ્લાસ્ટ થયો અને આગ કાળ બની ત્રાટકી

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પુગલિયા પરિવારના ઘરની બહાર મોડી રાત્રે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પર મૂકવામાં આવી હતી. સવારે 4 વાગ્યાના સુમારે ચાર્જિંગ પોઈન્ટમાં જોરદાર શોર્ટ સર્કિટ સાથે વિસ્ફોટ થયો અને આગ ગાડીમાં ફેલાઈ ગઈ. જોતજોતામાં આગ મકાનના મુખ્ય દ્વારથી અંદર સુધી પહોંચી ગઈ હતી. ઘરમાં રાખેલા કેમિકલ અને 10થી વધુ ગેસ સિલિન્ડરોને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પછી એક ચાર સિલિન્ડરો ફાટતા મકાનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.

ઇલેક્ટ્રોનિક લોક બન્યા કાળ: બહાર નીકળવાનો માર્ગ બંધ થયો

આ દુર્ઘટનામાં સૌથી મોટો અવરોધ ઘરની આધુનિક સુરક્ષા વ્યવસ્થા બની હતી. પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે, મકાનમાં ઇલેક્ટ્રોનિક લોક લગાવેલા હતા. આગ લાગ્યા બાદ શોર્ટ સર્કિટને કારણે સમગ્ર ઘરનો પાવર સપ્લાય કટ થઈ ગયો હતો, જેના પરિણામે ડિજિટલ લોક જામ થઈ ગયા અને ખુલ્યા જ નહીં. અંદર ફસાયેલા લોકોએ દરવાજા ખોલવા પ્રયાસ કર્યા હશે પરંતુ લોક ન ખુલતા તેઓ અંદર જ ભડથું થઈ ગયા હતા. અંતે ફાયર ફાઈટરોએ દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો.

મૃતકો અને ઘાયલોની યાદી

આ કરુણ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઈજાગ્રસ્તોની વિગત નીચે મુજબ છે:

મૃતકો (7 લોકો):

  1. વિજય સેઠિયા (65 વર્ષ)

  2. છોટુ સેઠિયા (22 વર્ષ)

  3. સુમન (60 વર્ષ)

  4. મનોજ (65 વર્ષ)

  5. સિમરન (30 વર્ષ)

  6. રાશિ સેઠિયા (12 વર્ષ)

  7. અન્ય એક વ્યક્તિ

ઈજાગ્રસ્તો (સારવાર હેઠળ):

સૌરભ પુગલિયા

આશિષ

હર્ષિત પુગલિયા

ઘરમાં રાખેલું કેમિકલ આગમાં ઘી હોમવાનું કામ કરી ગયું

મૃતક મનોજ પુગલિયા પોલિમર અને કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્વલનશીલ કેમિકલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ઇલેક્ટ્રિક કારની આગ જ્યારે આ કેમિકલ સુધી પહોંચી ત્યારે તે વધુ ભયાનક બની હતી. રહીશોના જણાવ્યા મુજબ, ધડાકા એટલા તીવ્ર હતા કે, આસપાસના મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. હાલ સાયબર અને ફોરેન્સિક ટીમો આ મામલે વધુ તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now