Home International Massive Fire Broke Out In Five Storey Building In Delhis Palam Area Killing 7 People Including Children

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ : દુર્ઘટનામાં બાળકો સહિત 9ના મોત, 2 લોકોએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

ઈન્દોર બાદ દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 09:05 AM IST

દિલ્હી અને મધ્યપ્રદેશના ઈન્દોરમાં આજે કાળમુખી આગે તાંડવ મચાવ્યું છે. ઈન્દોરમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ દરમિયાન થયેલા શોર્ટ સર્કિટ બાદ સર્જાયેલી હોનારતના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પાલમ વિસ્તારમાં એક પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં અત્યાર સુધીમાં બાળકો સહિત 9 લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી બિલ્ડિંગ ધુમાડાના ગોટાથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો ન હતો અને તેઓ મોતને ભેટ્યા હતા.

દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે 7 વાગ્યે એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જેમાં 3 છોકરીઓનો સમાવેશ થાય છે. 2 લોકોએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દીધી. તેમને ગંભીર ઇજાઓ થઈ છે. જોકે, ઘાયલો અને અંદર ફસાયેલા લોકોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના કર્મચારીઓએ 10 લોકોને બચાવ્યા છે. લગભગ 30 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીના પાલમની આ ઇમારત રાજેન્દ્ર કશ્યપ નામના વ્યક્તિની માલિકીની હોવાનું સામે આવ્યું છે, જેમાં તેમનો આશરે 15 સભ્યોનો પરિવાર વસવાટ કરતો હતો. ઇમારતના નીચેના ભાગમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હતી, જ્યારે ઉપરના માળે રહેણાંક વિસ્તાર હતો. વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રામાં હતા, ત્યારે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઉભા થયા હતા. હાલમાં અનેક લોકો ગંભીર રીતે દાઝેલા હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બ્યુટી પાર્લર અને દુકાનોમાં લાગેલી આગ ઉપરના માળે પ્રસરી

દિલ્હીની પાલમ કોલોનીની લેન નંબર 2માં આવેલી આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં બ્યુટી પાર્લર તથા બંગડીની દુકાન જેવા નાના વ્યવસાયો ચાલતા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, આગ નીચેના માળેથી શરૂ થઈ હતી અને ત્યાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે તે ઝડપથી ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. ધુમાડો એટલો ઘટ્ટ હતો કે બાલ્કનીમાં ઉભેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ ભારે ગરમી અને ધુમાડાને કારણે તેમને નીચે ઉતારવા મુશ્કેલ બન્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ: ફાયર બ્રિગેડ અડધો કલાક મોડી પહોંચી

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. યોગેશ નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, સવારે આશરે 6:45 વાગ્યે આગની જ્વાળાઓ દેખાઈ હતી અને તાત્કાલિક જાણ કરવા છતાં ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ અડધો કલાક મોડા પડ્યા હતા. આ વિલંબને કારણે આગે આખી બિલ્ડિંગને ઝપેટમાં લઈ લીધી હતી. બચાવકર્તાઓએ બાજુની બિલ્ડિંગની દીવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

ઇન્દોરમાં પણ EV ચાર્જિંગે લીધો 7 લોકોનો ભોગ

દિલ્હી જેવી જ કરૂણ સ્થિતિ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ જોવા મળી હતી. અહીં એક ઘરની બહાર ઇલેક્ટ્રિક કાર ચાર્જ થઈ રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થતા જોરદાર ધડાકો થયો હતો. આ આગ ત્રણ માળના મકાનમાં પ્રસરી જતાં 7 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. ઇન્દોર કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે કાટમાળમાં હજુ પણ તપાસ ચાલુ છે. બંને શહેરોમાં લાગેલી આ આગે ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ ઓડિટ સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

ઈજાગ્રસ્તોની હાલત ગંભીર, હોસ્પિટલમાં આક્રંદ

આ અકસ્માતમાં દાઝી ગયેલા પાંચથી છ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન એક બાળક ઉપરના માળેથી નીચે પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ અને NDRFની ટીમો હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, કારણ કે હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે સમગ્ર પાલમ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now