logo-img
A New Wave Of Change Begins With Vibrant Gujarat

વાઇબ્રન્ટ ગુજરાતથી પરિવર્તનનો નવો દોર શરૂ : 22 વર્ષમાં 100થી વધુ દેશ સમિટમાં જોડાયા

વાઇબ્રન્ટ ગુજરાતથી પરિવર્તનનો નવો દોર શરૂ
Published by: Offbeat Team
| Last Updated: Sep 16, 2025, 10:23 AM IST

આવતીકાલે 17 સપ્ટમ્બર 2025ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે. આ પ્રસંગે તેમના વિઝનરી આઇડીયાથી દેશના વિકાસમાં જે પરિવર્તનકારી યુગ શરૂ થયો તેના પર નજર કરવી જરૂરી છે. તેમણે વિકાસનો જે વારસો આપ્યો છે, તેમાં એક મહત્વપૂર્ણ અધ્યાય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે જેની શરૂઆતમાં 2003માં થઇ હતી જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. આજે આ સમિટ ઔદ્યોગિક પુનરુત્થાન, ગ્લોબલ ડિપ્લોમેસી અને એક વ્યૂહાત્મક આયોજનનું પ્રતીક બની ગઇ છે.

વિઝનની શરૂઆત

2000ના દાયકાની શરૂઆતમાં, ગુજરાત આર્થિક અને માળખાગત પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેની સામે એક સાહસિક પ્રતિભાવ આપ્યો. તેમનું વિઝન હતું એક એવા વૈશ્વિક પ્લેટફોર્મનું નિર્માણ કરવાનું જે વિશ્વભરમાંથી રોકાણોને આકર્ષે અને ગુજરાતની ક્ષમતાનું પ્રદર્શન કરે. વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના એક ઔપચારિક સમિટ તરીકે નહીં, પરંતુ ઔદ્યોગિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટેના વ્યૂહાત્મક એન્જિન તરીકે કરવામાં આવી હતી.

વૈશ્વિક માન્યતા

શરૂઆતથી જ, વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. 2024નું સંસ્કરણ અમૃતકાલમાં આયોજિત પ્રથમ સંસ્કરણ હતું જેમાં 100થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ફુડ પ્રોસેસિંગ, નવીનીકરણીય ઊર્જા, બંદરોની માળખાગત સુવિધાઓ સહિતના ક્ષેત્રોમાં મુખ્ય દેશો સાથે મહત્વપૂર્ણ કરારો થયા હતા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ મિત્ર (વિકાસ માટે વૈશ્વિક ભાગીદાર) તરીકે ભારતની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો અને 2047 સુધીમા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મજબૂતીથી આગળ વધવાનું આહ્વાન કર્યુ.

સમાવેશી વિકાસનો આધારસ્તંભ

વાઇબ્રન્ટ ગુજરાત પહેલનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે રાજ્યભરમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2003થી 2024 સુધી, દરેક સમિટ રોજગારીનું સર્જન કરવા કેન્દ્રિત હતી, જેના કારણે કૃષિ, એન્જિનિયરિંગ, ઓટો મેન્યુફેક્ચરિંગ, કાપડ, શિક્ષણ, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. આ સમિટ દ્વારા તમામ 33 જિલ્લાઓમાં રોજગારીનું સર્જન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ રોકાણો વ્યૂહાત્મક રીતે અલગ અલગ પ્રદેશોમાં લાવવામાં આવ્યા હતા જેથી એ સુનિશ્વિત કરી શકાય કે રોજગારી માત્ર શહેરો સુધી જ મર્યાદિત ન રહે પરંતુ સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચે. રાષ્ટ્રીય રોજગાર સૂચકાંકોમાં ગુજરાતે સતત ટોપ રેન્ક જાળવી રાખી છે જે દર્શાવે છે કે આ સમિટે સમાવિષ્ટ અને કૌશલ્ય-આધારિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.

દૂરદર્શિતાપૂર્ણ જન્મદિવસ

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ રહ્યા છે, ત્યારે આ સમય પ્રતીકાત્મક છે. ગુજરાત પણ વર્ષ 2035 માટે પોતાના 75મા વર્ષની તૈયારીઓ કરી રહ્યું છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને રમત-ગમત ક્ષેત્ર માટેનો 10 વર્ષનો રોડમેપ છે. માનનીય વડાપ્રધાનશ્રીએ તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વર્ષ 2025ની જાહેરાત કરી હતી, જે સમાવેશી શહેરી વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ છે. તેમનો વારસો તેમની ભૂતકાળની સિદ્ધિઓમાં જ નહીં, તેમના સાતત્યપૂર્ણ વિઝનમાં પણ રહેલો છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પહોંચ અને અસરકારકતાને રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે આ વર્ષે રાજ્યભરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સીસ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા, સેક્ટર-સ્પેસિફિક રોકાણો આકર્ષિત કરવા અને વૈશ્વિક જોડાણને વધુ ગાઢ બનાવવા માટે આયોજિત કરવામાં આવી રહી છે. દરેક રિજનલ કોન્ફરન્સ, પ્રાદેશિક સિદ્ધિઓ અને સફળતાની ગાથાઓ પ્રદર્શિત કરવા, નવી નીતિગત પહેલો અને રોકાણોની તકોની જાહેરાત કરવા, નવીનીકરણ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી સ્થાનિક અર્થતંત્રોને સશક્ત બનાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મની ભૂમિકા ભજવશે. ઉત્તર ગુજરાત માટેની રિજનલ કોન્ફરન્સ 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણા ખાતે યોજાશે, જે ગુજરાતના જિલ્લાઓમાં પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત કરશે. ત્યારબાદ અન્ય ત્રણ રિજનલ કોન્ફરન્સીસ અનુક્રમે રાજકોટ (કચ્છ-સૌરાષ્ટ્ર રિજન), સુરત (દક્ષિણ ગુજરાત) અને વડોદરા (મધ્ય ગુજરાત) ખાતે આયોજિત કરવામાં આવશે. આ કોન્ફરન્સીસના પરિણામો અને મહત્વની બાબતો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આગામી સંસ્કરણ દરમિયાન વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે, જે તકો અને નવીનીકરણના કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

ભવિષ્ય તરફ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ફક્ત રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ માટેની એક સમિટ જ નથી, પરંતુ તે સક્રિય શાસન, વ્યૂહાત્મક આયોજન અને વૈશ્વિક સહયોગની ફિલસૂફી છે. ભારત તેના અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 75 વર્ષની યાત્રા અને તેમના સફળ નેતૃત્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ સમિટ એ પરિવર્તનશીલ વિકાસમાં તેમના દૃઢ વિશ્વાસનો જીવંત પુરાવો છે. આ એ વારસો છે જે ગુજરાતને આકાર આપી રહ્યો છે, અને હવે રાષ્ટ્રને પણ પ્રેરણા આપી રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now