વડગામ તાલુકાના કોદરામ ગામમાં આવેલી સ્થાનિક ડેરી સંબંધી એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. ગામમાં 14મી સપ્ટેમ્બર 2025ના રોજ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં ડેરી દ્વારા દૂધના ભાવમાં 6.25% નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ ભાવ વધારો ગામલોકો અને પશુપાલકોને અપુરતો લાગ્યો હોવાથી સભાએ આ સુધારો મંજૂર કર્યો ન હતો.
ચોંકાવનારું તથ્ય...!
પશુપાલકોનું કહેવું છે કે ''આજે બજારના ભાવો અને દૂધના ઉત્પાદન ખર્ચને જોતા ઓછામાં ઓછો 50% ભાવ વધારો હોવો જ જોઈએ. એમના માટે માત્ર 6.25% નો વધારો એ યોગ્ય નથી. આ વચ્ચે એક મોટું અને ચોંકાવનારું તથ્ય પણ બહાર આવ્યું છે. વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ડેરીમાં 11 લાખ રૂપિયાનો દૂધનો ખોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડેરીના ચેરમેન દ્વારા રજીસ્ટરમાં પણ આ ખોટ દર્શાવવામાં હોવાનો આક્ષેપ કરાયો છે''
"પંખા ચાલુ હોય ત્યારે દૂધનું વજન સંતુલિત રહેતું નથી''
પશુપાલકોએ આ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું, ત્યારે ચેરમેન તરફથી એવો જવાબ મળ્યો કે, "પંખા ચાલુ હોય ત્યારે દૂધનું વજન સંતુલિત રહેતું નથી, અને એના કારણે દૂધના વજનમાં વધઘટ થાય છે, જેના પરિણામે આ ખોટ સર્જાઈ છે" આ જવાબથી પશુપાલકો સંતોષી નથી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર પંખાના કારણે દૂધના વજનમાં આવી મોટી ઘટ થાય નહીં''.
પશુપાલકોની ઉગ્ર માંગ
હવે પશુપાલકો માગણી કરી રહ્યા છે કે, 11 લાખ રૂપિયાનું હિસાબ સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવે અને એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સાથે સાથે, દૂધના ભાવની રકમમમાં યોગ્ય વધારો કરીને પશુપાલકોને ન્યાય આપવામાં આવે.