Ahmedabad Blood Donation Record: આજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) તેમજ વિવિધ 50 જેટલી સામાજિક સંસ્થા દ્વારા રક્તદાનનું મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ 2.0 હેઠળ વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય વાત એ છે કે, આ સેવાભાવી સંસ્થાના દાવા મુજબ આજના એક દિવસમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. સાંજના 7 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
વિવેક ઓબેરોયએ રક્તદાન કર્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા રક્તદાન અમૃત મહોત્સવ 2.0માં અભિનેતા વિવેક ઓબેરોય દ્વારા રક્તદાન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે તેને ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને જ્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂર હશે તેના સુધી આ બ્લડ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આપની જાણકારી હેતુ જણાવીએ કે, ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો સહભાગી થશે.