Vadodara University student case: સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં ફરી એક વખત માનવતા શરમસાર થાય તેવી ભયાનક ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને કપડાં ધોવાના બહાને પોતાના રૂમ પર બોલાવી, તેને રાતભર બંધક બનાવી વારંવાર દુષ્કર્મ આચરવાની ઘટના બાપોદ વિસ્તારમાં બની છે. આરોપી આકાશસિંઘ (મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી) એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનો પીડિત વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય
મળતી માહિતી અનુસાર, આરોપી આકાશસિંઘનો પીડિત વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય હતો. તેણે વિદ્યાર્થિનીને "મારા રૂમમાં વોશિંગ મશીન છે, કપડાં ધોવા આવી જા" એવા બહાને ઘરે બોલાવી હતી. વિદ્યાર્થિની રૂમ પર પહોંચતાં જ આરોપીએ દરવાજો બંધ કરી દીધો અને તેને બંધક બનાવી દીધી. પહેલાં અશ્લીલ વર્તન અને શારીરિક અડપલાં કર્યા બાદ તેણે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. રાતભર તેને રૂમમાં જ રાખીને વારંવાર આ અત્યાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે.
બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આરોપીએ સમગ્ર ઘટનાના વીડિયો પણ બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં પીડિતાને બ્લેકમેલ કરવા માટે કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીડિત વિદ્યાર્થિનીએ હિંમત દાખવી બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાં જ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી આકાશસિંઘને અટકાયત કરી લીધો.
સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ
આરોપી સામે બળાત્કાર, અપહરણ તથા અન્ય ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને આરોપીના મોબાઈલ ફોન સહિત ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આરોપી પાસેથી વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને મહિલા સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે આવા અપરાધો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.




















