Home Gujarat Vadodara Juice Tetra Pak Insect Found Child Hospitalized Food Safety Alert 2026

જ્યુસના ટેટ્રાપેકમાંથી નીકળ્યું 2 ઈંચનું જીવડું : 3 વર્ષના બાળકની તબિયત લથડી, હોસ્પિટલમાં પેક ખોલતા જ તબીબો પણ ચોંકી ઉઠ્યા

જ્યુસના ટેટ્રાપેકમાંથી નીકળ્યું 2 ઈંચનું જીવડું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 10:33 AM IST

વડોદરા: સામાન્ય રીતે આપણે પેકિંગવાળા ખાદ્યપદાર્થોને સુરક્ષિત માનીને બાળકોને આપતા હોઈએ છીએ, પરંતુ વડોદરામાં સામે આવેલી એક ઘટનાએ વાલીઓના જીવ અધ્ધર કરી દીધા છે. વડોદરામાં એક જાણીતી કંપનીના જ્યુસના ટેટ્રાપેકમાંથી અંદાજે બે ઈંચ જેટલું લાંબુ મરેલું જીવડું નીકળતા ભારે હોબાળો મચી ગયો છે. કમનસીબે, આ જ્યુસ પીધા બાદ 3 વર્ષના માસૂમ બાળકની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં પેક્ડ ફૂડની ગુણવત્તા સામે રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે બાળકના પિતાએ હોસ્પિટલમાં તબીબોની હાજરીમાં જ્યુસનું પેકેટ કાતરથી કાપીને ખોલ્યું, ત્યારે અંદરથી કાળા રંગનું પ્રવાહી, ભયંકર બદબૂ અને મોટું જીવડું મળી આવ્યું હતું. આ દ્રશ્ય જોઈને હાજર તબીબો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ બાળક હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ છે અને તેના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધીને જવાબદાર કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જ્યુસ ગ્લાસમાં કાઢતા જ કાળું પ્રવાહી અને બદબૂ આવી

બાળકના પિતા અરવિંદ પરમારના જણાવ્યા અનુસાર, તેમણે ગઈકાલે સાંજે આશરે સાડા સાત વાગ્યે માસૂમ દીકરા માટે જ્યુસનું ટેટ્રાપેક ખરીદ્યું હતું, જેની એક્સપાયરી ડેટ હજુ મે મહિનાની હોવા છતાં આ ગંભીર ઘટના બની હતી. બાળકે સ્ટ્રોથી થોડું જ્યુસ પીધા બાદ તેને ગ્લાસમાં કાઢવા માટે જીદ કરી હતી, અને જેવું જ જ્યુસ ગ્લાસમાં ઠાલવવામાં આવ્યું કે તુરંત જ તેમાંથી કાળું પ્રવાહી અને અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી. આ જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી તાત્કાલિક બાળકને લઈને હોસ્પિટલ દોડ્યો હતો.

બાળક ICUમાં: 72 કલાક નિરીક્ષણ હેઠળ રખાયું

હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બાળકની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ તેને આઈસીયુ (ICU) માં શિફ્ટ કર્યો છે. તબીબોના જણાવ્યા મુજબ, જો બાળકે આખું પેકેટ પી લીધું હોત તો તેના જીવ પર જોખમ આવી શકતું હતું, તેથી તેને કોઈ ઝેરી અસર થઈ છે કે કેમ તે ચકાસવા માટે આગામી 48 થી 72 કલાક સુધી સઘન નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. તબીબોએ પણ ટેટ્રાપેકમાંથી જીવડું નીકળ્યું હોવાની પુષ્ટિ કરી છે અને આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી

વાલીઓને પિતાની આર્ત અપીલ: "પારદર્શક બોટલ જ ખરીદજો"

ભોગ બનનાર બાળકના પિતાએ અન્ય વાલીઓને જાગૃત કરતા અપીલ કરી છે કે, "ક્યારેય બાળકોને બંધ ટેટ્રાપેક સીધું સ્ટ્રોથી પીવા માટે ન આપો. હંમેશા પારદર્શક ગ્લાસમાં કાઢીને ચેક કર્યા બાદ જ પીવડાવો." તેમણે કંપનીઓને પણ વિનંતી કરી છે કે જ્યુસના પેકિંગ એવા હોવા જોઈએ જેની આરપાર જોઈ શકાય અને તેની એક્સપાયરી ડેટ દૂધની જેમ ટૂંકી રાખવી જોઈએ જેથી ગ્રાહકો છેતરાય નહીં.

પોલીસ અને ફૂડ વિભાગની કાર્યવાહી

આ મામલે વડોદરા પોલીસે અરવિંદ પરમારનું નિવેદન નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ જ્યુસનું પેકેટ કબજે કરીને તેને પરીક્ષણ માટે 'ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ'માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો લેબોરેટરી રિપોર્ટમાં ખામી જણાશે તો કંપનીનું લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now