Home Gujarat Vadodara Ajwa Chokdi Truck Accident Woman Death Prinsa Parmar

વડોદરામાં ગોઝારો અકસ્માત : સસરાની નજર સમક્ષ પુત્રવધુનું કરુણ મોત, પરિજનોના તંત્ર પર આક્ષેપો

વડોદરામાં ગોઝારો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 08:35 AM IST

વડોદરા શહેરના આજવા ચોકડી વિસ્તારમાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં સસરાની નજર સમક્ષ જ પુત્રવધુનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અકસ્માત બાદ મૃતદેહ લાંબા સમય સુધી રસ્તા પર જ પડ્યો રહ્યો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, 31 વર્ષીય મૃતક પ્રિન્સા કુંદન પરમાર પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. ઘટનાના દિવસે તેના સસરા તેને બાઇક પર યુનિવર્સિટીમાં મૂકવા માટે જઈ રહ્યા હતા. સવારે આજવા ચોકડી નજીક પહોંચતા જ એક આઇસર ટ્રક બાઇક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે સસરાની નજર સમક્ષ જ પુત્રવધુ પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ સમગ્ર ઘટના ના રૂંવાટા ઉભા કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

આ ઘટના બાદ સસરા સ્તબ્ધ બની ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મૃતદેહ પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું, જેના કારણે ત્યાં ગમગીન માહોલ સર્જાયો હતો.

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અકસ્માત બાદ મૃતદેહને સમયસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો નહોતો. તેમના જણાવ્યા મુજબ લગભગ ત્રણ કલાક સુધી મૃતદેહ રસ્તા પર જ પડ્યો રહ્યો હતો અને તેના પર માખીઓ પણ બેસી રહી હતી, છતાં તંત્ર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નહોતી.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે આજવા રોડ ચોકડી વિસ્તારમાં સવારે નવ વાગ્યા બાદ ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં ટ્રક અહીંથી પસાર થઈ રહ્યો હતો. જો આ નિયમનું પાલન કરવામાં આવ્યું હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી પહોંચી નહોતી, જેના કારણે મૃતદેહ રસ્તા પર જ પડ્યો રહ્યો હતો. આ બનાવને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ શોક અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now