Home Gujarat Horrific Accident On Ralyati Road Near Dahod

દાહોદ નજીક રળિયાતી રોડ પર ભયાનક અકસ્માત : સાઈન બોર્ડ સાથે બાઈક અથડાતા બે યુવકોના મોત

દાહોદ નજીક રળિયાતી રોડ પર ભયાનક અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 10:12 AM IST

દાહોદ જિલ્લામાં રળિયાતી રોડ પર મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ તરફથી દાહોદ તરફ બાઈક પર આવી રહેલા બે યુવકોની બાઈક સાઈન બોર્ડ સાથે અથડાઈ જતા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બંને યુવકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા, જેને લઈ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ તરફથી બે યુવકો બાઈક પર દાહોદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તેમની બાઈક પૂરપાટ ઝડપે દોડતી હોવાને કારણે તેઓ બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠા હતા. પરિણામે બાઈક રોડ સાઇડ પર લગાવવામાં આવેલા સાઈન બોર્ડ સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો અને બન્ને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત અવાજ સાંભળતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ દાહોદ ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા બંને યુવકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા મૃતક યુવકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
મૃતક યુવકોના પરિજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સ્વજનોના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં કરુણ આક્રંદ મચી ગયો હતો. સમગ્ર દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી બંને યુવકોના મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now