Home Gujarat Surat Pandesara Gidc Paras Print Mill Tank Cleaning Workers Live Lost Toxic Gas 2026

ઝેરી ગેસે લીધો જીવ : પાંડેસરા GIDCની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળામણથી મોત, એકની હાલત નાજુક

ઝેરી ગેસે લીધો જીવ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 08:52 AM IST

સુરત: શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટ મિલમાં શનિવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. મિલની ટાંકી સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસ અથવા ઓક્સિજનની અછતને કારણે ગૂંગળામણનો શિકાર બન્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ શ્રમિકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક હજુ પણ હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. આ ઘટનાએ ઉદ્યોગ જગતમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી મુજબ, ટાંકીમાં સફાઈ માટે ઉતરેલા શ્રમિકો એકાએક બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓએ બચાવ કામગીરી હાથ ધરી ચારેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે ત્રણ આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. મૃતક શ્રમિકો મૂળ બિહારના વતની હોવાનું જાણવા મળ્યું છે, જેઓ અહીં મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ ઘટનાને પગલે શ્રમિકોના પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે.

ગૂંગળામણથી એક પછી એક શ્રમિકો ટપોટપ ઢળ્યા

આ હૃદયદ્રાવક ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ યુવાન શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં સોનુકુમાર પાસવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહેલા દિપુકુમાર (અંકિત) પાસવાન અને સંદીપકુમાર પાસવાને પણ દમ તોડી દેતા મૃત્યુઆંક વધ્યો છે. હાલમાં ચોથા શ્રમિક મંલેદર પાસવાનની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિવારમાં માતમ: બિહારથી રોજીરોટી માટે આવ્યા હતા

મૃતકોના સંબંધીઓ સુજીત પાસવાન અને જોખણ પાસવાન સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બિહારથી સુરત કમાવવા આવેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ પરિવાર ભાંગી પડ્યો છે. સંબંધીઓએ આક્ષેપ કર્યો છે કે શ્રમિકોને પૂરતા સુરક્ષા સાધનો આપ્યા વગર જ જોખમી ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા.

પોલીસ અને GPCB એક્શનમાં: બેદરકારીની તપાસ શરૂ

આ દુર્ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પારસ પ્રિન્ટ મિલ પર પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને FSLની ટીમોને પણ બોલાવવામાં આવી હતી, જેમણે ટાંકીમાં કયા પ્રકારનો જીવલેણ ઝેરી ગેસ હતો તે જાણવા માટે હવામાંથી નમૂના એકત્ર કર્યા છે. પોલીસ ખાસ કરીને એ દિશામાં તપાસ કરી રહી છે કે શું મિલ પ્રશાસન દ્વારા શ્રમિકોને જોખમી ટાંકીમાં ઉતારતા પહેલા માસ્ક, ઓક્સિજન સિલિન્ડર કે સેફ્ટી બેલ્ટ જેવા પાયાના સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં. જો તપાસમાં મિલ માલિક કે મેનેજમેન્ટની સહેજ પણ બેદરકારી કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે, તો તેમની સામે સાપરાધ મનુષ્યવધ જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now