Home Gujarat Ahmedabad Crime Branch Arrests Accused 2 71 Crore Textile Market Fraud Paldi

વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : ઉધારીમાં કાપડ ખરીદી રૂ.2.71 કરોડનો વિશ્વાસઘાત કરનાર ઠગબાજની ધરપકડ, જુઓ કેવી રીતે પોલીસે દબોચ્યો

વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 11:11 AM IST

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા ન્યુ ક્લોથ માર્કેટના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કિસ્સામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને મોટી સફળતા મળી છે. કાપડ બજારમાં ઉધારીમાં માલ ખરીદીને પેમેન્ટ ન ચૂકવી દુકાન બંધ કરી ફરાર થઈ જનાર મુખ્ય આરોપી મકસુદઅહેમદ અબ્દુલહમીદ ડોઈને પોલીસે પાલડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ભેગા મળીને વેપારીઓનો વિશ્વાસ જીતી કુલ રૂ. 2,71,80,974 ની માતબર રકમની ઠગાઈ આચરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, આરોપીઓએ સુનિયોજિત રીતે વેપારીઓ પાસેથી જથ્થાબંધ કાપડનો જથ્થો ઉધારીમાં મેળવ્યો હતો અને 90 દિવસમાં નાણાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, સમય મર્યાદા પૂરી થયા બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે આરોપીઓ પોતાની દુકાન વધાવીને નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા જ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર આર્થિક ગુના નિવારણ શાખાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે.

શું હતી સમગ્ર ઘટના અને છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી?

આ કેસની વિગત મુજબ, ફરિયાદી શિખર મનોજકુમાર ટિબરેવાલ (રહે. સાઉથ બોપલ) અને અન્ય સાહેદોની ફર્મોમાંથી આરોપીઓએ સુનિયોજિત રીતે કાપડની ખરીદી કરીને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. આ છેતરપિંડીમાં "એમ.પી. ટ્રેડર્સ" ના માલિક પ્રદિપ મેઘાણી, ફર્મમાં અધિકૃત સહી કરનાર મકસુદઅહેમદ અબ્દુલહામીદ ડોઈ, "સનમ એન્ટરપ્રાઇઝ" ના માલિક સોબરાતી દેવાન અને દલાલ "નિરજ ટેક્ષટાઇલ એજન્સી" ના માલિક નિરજ ઘનશ્યામભાઇ કાંધારીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ આરોપીઓએ તા. 18/10/2023 થી તા. 19/03/2025 દરમિયાન વેપારીઓ પાસેથી ઉધારીમાં જથ્થાબંધ શર્ટીંગ કાપડની ખરીદી કરી હતી. વિશ્વાસ જીતવા માટે તેઓએ માલનું પેમેન્ટ 90 દિવસમાં ચુકવી દેવાની ખાતરી આપી હતી, પરંતુ સમય મર્યાદા વીત્યા બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નહોતું. ફરિયાદીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં બાકી રહેતા રૂ. 2,71,80,974 ન આપીને આરોપીઓ પોતાની દુકાન બંધ કરી ભાગી ગયા હતા અને આ રીતે વેપારીઓ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો.

પોલીસે ટેકનિકલ એનાલિસિસથી આરોપીને દબોચ્યો

અમદાવાદ શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાની ન્યુ ક્લોથ માર્કેટ વિંગના અધિકારીઓ અને કર્મચારીઓની એક ખાસ ટીમ આ ગુનાના ઉકેલ માટે બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીના મોબાઈલ નંબરના આધારે લોકેશન અને રહેણાંકના સરનામાની વિગતો મેળવીને તેને પકડવા માટેના ચક્રગતિમાન કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી મકસુદઅહેમદ ડોઈ પાલડી ખાતે રહેતો હોવાની હકીકત સામે આવતા પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી ત્યાં દરોડો પાડ્યો હતો અને તેને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને તા. 05/03/2026 ના રોજ રાત્રે 21:00 કલાકે અટક કરી હતી. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવતા, નામદાર કોર્ટે આરોપીના તા. 08/03/2026 સુધીના એટલે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

આરોપી લાંબા સમયથી વેપારીઓ પાસેથી કાપડની ખરીદી કરી પેમેન્ટ માંગતા ખોટા બહાના બનાવી છેતરપિંડી આચરી રહ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-316(2), 316(5), 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દ્વારા પોલીસે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં કડક સંદેશ આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now