Home Gujarat Mahisagar Sog Arrested Two Accused Online Fraud Network Ahmedabad

મહીસાગર SOG નો માસ્ટરસ્ટ્રોક : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, અમદાવાદથી બે ભેજાબાજો ઝડપાયા!

મહીસાગર SOG નો માસ્ટરસ્ટ્રોક
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 11:56 AM IST

મહીસાગર જિલ્લામાં સાયબર ક્રાઈમ સામે મોટી સફળતા મળી છે. મહીસાગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસ ટીમે ઓનલાઈન છેતરપિંડી ચલાવતી ટોળકીનો પર્દાફાશ કરીને બે કુખ્યાત આરોપીઓને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને SOG ટીમે ટ્રેસ કરીને અમદાવાદમાંથી દબોચી લીધા છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ પોપટસિંહ જેસીંગભાઈ પરમાર (રહે. અમદાવાદ, મૂળ લીમરવાડા વીરપુર, મહીસાગર) અને ગૌરાંગભાઈ મુકેશભાઈ સોની (રહે. અમદાવાદ) તરીકે થઈ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત બહાર પણ ઓનલાઈન છેતરપિંડીનું મોટું નેટવર્ક ચલાવતા હતા. તેઓ અરુણાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ ઓનલાઈન ફ્રોડ કરતા હતા.

આરોપી ગૌરાંગ સોની સામે અગાઉ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જ્યારે પોપટસિંહ પરમાર સામે દાહોદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિત IPC કલમ 406, 420 અને 467 હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ દરમિયાન વર્ષ 2024 અને 2025 દરમિયાન જુદા જુદા રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરીને મ્યુલ એકાઉન્ટ મારફતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.

વીરપુર પોલીસ સ્ટેશનમાં 14 લાખ રૂપિયાથી વધુના ઓનલાઈન ફ્રોડ સંબંધિત મ્યુલ એકાઉન્ટ મામલે કુલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ મહીસાગર SOG ટીમે બંને આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વીરપુર પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.

આ સમગ્ર મામલે પોલીસે આંતરરાજ્ય ઓનલાઈન છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now