આણંદ જિલ્લામાં પોક્સો (POCSO) અધિનિયમ હેઠળના ગુનાઓમાં ગુજરાત પોલીસએ દાખલારૂપ કામગીરી કરી છે. તાજેતરમાં વધુ બે કેસોમાં કોર્ટ દ્વારા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ખાસ બાબત એ છે કે સગીરા પર દુષ્કર્મના કુલ 7 કેસોમાં પોલીસને 100 ટકા સજાનો દર મળ્યો છે, જેમાંથી 6 કેસોમાં આરોપીઓને આજીવન કેદની ઐતિહાસિક સજા આપવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કાર્યરત છે. આ પરિસ્થિતિમાં આણંદ જિલ્લામાં આવેલા આ ચુકાદાઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
આણંદ જિલ્લા પોલીસ વડા G. G. Jasaniના માર્ગદર્શન હેઠળ તત્કાલીન CPI અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર D. R. Chaudhary તથા તેમની ટીમે માર્ચ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન નોંધાયેલા POCSO કેસોની બારીક અને પરિણામલક્ષી તપાસ કરી હતી. આ તમામ કેસોમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવવામાં આવી હતી.
ખાસ નોંધનીય બાબત એ છે કે તમામ 7 કેસોમાં ગુનો નોંધાયા બાદ મહત્તમ 45 દિવસની અંદર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ઝડપી તપાસ અને મજબૂત પુરાવાઓના આધારે મોટાભાગના કેસોમાં માત્ર 8થી 9 મહિનાના ટૂંકા ગાળામાં કોર્ટના ચુકાદા આવી ગયા હતા.
આ તપાસમાં પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ક્રાઈમ સીન મેનેજર અને FSL દ્વારા મળેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને કડક સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ કામગીરીની નોંધ લેતા DyCM હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર D. R. Chaudhary અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની આવી સંવેદનશીલ અને સજ્જ કામગીરી રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.






