Home Gujarat Kutch Kharai Camel Population Decline Mangroves Destruction Threat 2026

"જો ચેરિયાના જંગલો નહીં બચે, તો ખારાઈ ઊંટનું અસ્તિત્વ ભૂંસાઈ જશે" : કચ્છની શાન 'ખારાઈ ઊંટ' લુપ્ત થવાના આરે, ચેરિયાના જંગલો કપાતા દરિયાતારુ ઊંટોના અસ્તિત્વ પર તોળાતું જોખમ

"જો ચેરિયાના જંગલો નહીં બચે, તો ખારાઈ ઊંટનું અસ્તિત્વ ભૂંસાઈ જશે"
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 05:57 AM IST

કચ્છ: વિશ્વભરમાં માત્ર કચ્છના દરિયાકાંઠે જોવા મળતા અને દરિયાના પાણીમાં તરવાની અનોખી ક્ષમતા ધરાવતા 'ખારાઈ ઊંટ' આજે અસ્તિત્વના જોખમ સામે ઝઝૂમી રહ્યા છે. રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત આ વિશિષ્ટ પ્રજાતિની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014માં જ્યાં કચ્છમાં આશરે 4,000 ખારાઈ ઊંટ હતા, તે સંખ્યા હવે ઘટીને માત્ર 1,100 આસપાસ રહી ગઈ છે. આ ઘટાડાને પગલે માલધારી સમુદાય અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી છે.

ખારાઈ ઊંટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રણની રેતીમાં ચાલવાને બદલે દરિયાના ઊંડા પાણીમાં 3 થી 4 કિલોમીટર સુધી તરી શકે છે. આ ઊંટો દરિયામાં આવેલા ચેરિયા (Mangroves) ના ઝાડ પાંદડા ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છના દરિયાકાંઠે વધતા ઔદ્યોગિકીકરણ અને મીઠા ઉદ્યોગના વિસ્તરણને કારણે ચેરિયાના જંગલોનું નિકંદન નીકળી રહ્યું છે, જેના કારણે આ 'દરિયાતારુ' ઊંટો માટે ચરિયાણનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

કચ્છના આ વિસ્તારોમાં છે ખારાઈ ઊંટનું નિવાસસ્થાન

ખારાઈ ઊંટ મુખ્યત્વે કચ્છના ભચાઉ તાલુકાના જંગી, અબડાસા અને મુન્દ્રાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક્સ દ્વારા વર્ષ 2016માં ખારાઈ ઊંટને દેશની નવમી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી હતી. આમ છતાં, આ રાષ્ટ્રીય ધરોહરને સાચવવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

ચેરિયાના જંગલોનો સફાયો: અસ્તિત્વ સામે ખતરો

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેરિયાના જંગલોનો થઈ રહેલો સફાયો ખારાઈ ઊંટના અસ્તિત્વ સામે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયાઈ વનસ્પતિ એટલે કે ચેરિયા છે, પરંતુ હાલમાં ઔદ્યોગિક એકમો અને મીઠાના અગર બનાવતા ઉદ્યોગપતિઓ પોતાના એકમોનો વિસ્તાર કરવા અને પાળા વધારવા માટે આ કિંમતી ચેરિયાના ઝાડનું બેફામ નિકંદન કાઢી રહ્યા છે. ચેરિયાના જંગલોમાં થઈ રહેલા આ ચિંતાજનક ઘટાડાને કારણે ઊંટ પાલક માલધારીઓ માટે પોતાના પશુઓને જીવાડવા અત્યંત મુશ્કેલ બન્યા છે અને ચરિયાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. આમ, વિકાસના નામે દરિયાઈ પર્યાવરણને પહોંચાડવામાં આવી રહેલું આ નુકસાન આ અનોખી નસલના વિનાશનું મુખ્ય કારણ બની રહ્યું છે, જે પ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ખતરનાક સંકેત છે.

કચ્છી ઊંટ વધ્યા, પણ 'ખારાઈ' કેમ ઘટ્યા?

કચ્છ ઉછેરક માલધારી સંગઠનના અધ્યક્ષ આશાભાઈ રબારીના જણાવ્યા મુજબ, જિલ્લામાં કચ્છી અને ખારાઈ એમ બે પ્રજાતિના ઊંટ જોવા મળે છે. રાહતની વાત એ છે કે કચ્છી ઊંટની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ ખારાઈ ઊંટ જે માત્ર દરિયાઈ વનસ્પતિ પર જ નિર્ભર છે, તેમની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે. 2019ની આજુબાજુ ઉંટની સંખ્યા 2000 જેટલી હતી. જો કે, 2026 આ સંખ્યા ઘટીને 1000 જેટલી રહી છે. આ ઘટાડાનું કારણ તેનું ચારણ છે. જો સરકાર દ્વારા ચેરિયાના જંગલો બચાવવા અને ખારાઈ ઊંટના સંવર્ધન માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા વર્ષોમાં આ પ્રજાતિ માત્ર ચોપડા પર જ રહી જશે.

વધુમાં કચ્છના જાણીતા ઊંટ ઉછેરક માલધારી ભીખાભાઇ રબારીએ ખારાઈ ઊંટની ઘટતી સંખ્યા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા સરકારને ભાવુક અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ખારાઈ ઊંટને દેશની વિશિષ્ટ આઠમી પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી છે, જે ગૌરવની વાત છે. પરંતુ આ ગૌરવને સાચવી રાખવા માટે સરકારે દરિયાકાંઠે થઈ રહેલા ચેરિયાના વનસ્પતિના નિકંદનને તાત્કાલિક અટકાવવું જોઈએ. ભીખાભાઇના જણાવ્યા મુજબ, ખારાઈ ઊંટ એ અન્ય ઊંટો કરતા સાવ અલગ જાતિ છે, જે માત્ર દરિયાઈ વિસ્તારોમાં જ જોવા મળે છે અને તેમનું સંપૂર્ણ જીવન ચેરિયાના જંગલો પર નિર્ભર છે. તેઓ ભારપૂર્વક કહે છે કે, "જો આ જંગલો બચશે, તો જ ઊંટ બચી શકશે." જે રીતે ચેરિયાના જંગલોનો સફાયો થઈ રહ્યો છે અને ઊંટોની સંખ્યા ઘટી રહી છે, તેને જોતા એ દિવસો દૂર નથી જ્યારે આવનારી પેઢીઓ માટે આ અનોખા 'ખારાઈ ઊંટ' માત્ર તસવીરોમાં જ સીમિત રહી જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now