સુરત શહેરના કુખ્યાત ગુનેગાર સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઈમ બ્રાંચે દબોચી લીધો છે. સલમાન લસ્સી પર ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવવાનો અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવણીનો આરોપ છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલો આ માથાભારે આરોપી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો. ગુપ્ત માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ડાભેલ ગામે પહોંચી અને સલમાન લસ્સીને દબોચવાનો પ્રયાસ કર્યો હતો.
PI પી કે સોઢા પર ચપ્પાથી હુમલો કર્યો અને...
ધરપકડ દરમિયાન સલમાન લસ્સીએ પોતાને બચાવવા માટે અચાનક PI પી કે સોઢા પર ચપ્પાથી હુમલો કર્યો. અચાનક થયેલા આ હુમલામાં PI ને ઈજા પહોંચે તે પહેલાં જ તેમણે સ્વબચાવમાં પોતાના સર્વિસ રિવોલ્વરથી જવાબી કાર્યવાહી રૂપે ફાયરિંગ કર્યું હતું. આ ગોળી સલમાન લસ્સીના જમણા પગના હાડકાને સ્પર્શીને આરપાર નીકળી ગઈ હતી. હુમલામાં ઈજા પામેલા આરોપી સલમાન લસ્સીને તાત્કાલિક પોલીસ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
'આખું ઓપરેશન ખૂબ જ જોખમી અને ફિલ્મી ઢબે થયું હતું'
સુરત ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે, આ આખું ઓપરેશન ખૂબ જ જોખમી અને ફિલ્મી ઢબે થયું હતું. વર્ષોથી પોલીસને ચકમો આપતો અને શહેરમાં આતંક મચાવતો સલમાન લસ્સી હવે પોલીસના જાળમાં આવી ગયો છે. હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેના અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળતાથી સુરત પોલીસને મોટી સિદ્ધિ મળી છે, કારણ કે સલમાન લસ્સી સામેના અનેક ગુનાઓથી શહેરના લોકો લાંબા સમયથી ભયભીત હતા. પોલીસે જણાવ્યું કે કાયદો હાથમાં લેતા કોઈને પણ છોડવામાં નહીં આવે અને ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે.





















