Sayajiganj PM Hotel raid: વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે અચાનક દરોડો પાડી 8 દારૂડિયાને રંગેહાથ ઝડપી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે PM હોટેલના રૂમ નંબર 504માં રેડ કરી આ કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈને દારૂ પીનારાઓનો નશો પણ ઉતરી ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે એક વિશ્વસનીય બાતમી મળી હતી
પ્રાપ્ત માહિતી સયાજીગંજ પોલીસની ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે એક વિશ્વસનીય બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં આવેલી PM હોટેલના રૂમ નંબર 504માં કેટલાક શખ્સો ભેગા થઈ ઇંગ્લીશ દારૂની મહેફિલ માણી રહ્યા છે. બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
પોલીસે તમામને સ્થળ પરથી ઝડપી પાડી તેમની ઓળખ મેળવી
પોલીસ ટીમે હોટેલ પહોંચીને રૂમ નંબર 504 પર દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી એક શખ્સે દરવાજો ખોલતા જ પોલીસે રૂમમાં પ્રવેશ કર્યો હતો. તપાસ દરમિયાન રૂમમાં કુલ આઠ શખ્સો બેડ અને ટેબલ પાસે બેસી દારૂ પીતા હોવાનું જણાયું હતું. પોલીસે તમામને સ્થળ પરથી ઝડપી પાડી તેમની ઓળખ મેળવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સીલ તૂટેલી એક દારૂની બોટલ, બે સીલબંધ ઇંગ્લીશ દારૂની બોટલો, 8 પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ 4 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
ઝડપાયેલા આરોપીઓમાં રામલાલ વેનીરામ ખટીક (આજવા રોડ, વડોદરા), ગોપાલ સંજય પાટીલ (ઉધના, સુરત), અજય મુલચંદ સુખવાની (મહારાષ્ટ્ર), દીપ સંતોષકુમાર શર્મા (મહારાષ્ટ્ર), કૈલાશ કનૈયાલાલ જગ્યાસી (વારસીયા, વડોદરા), મોહનલાલ ચૌધરી (તરસાલી), લલીતકુમાર સુરેશકુમાર ચૌધરી (તરસાલી) તથા શંકર કેવલરામ જેઠવાણી (સમા રોડ, વડોદરા)નો સમાવેશ થાય છે.
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.





















