Home International Global Child Marriage Trends 2025 Niger India Statistics

વર્ષ 2025માં પણ બાળ લગ્ન વિશ્વ માટે મોટો પડકાર : જાણો કયા દેશમાં થઈ રહ્યાં છે સૌથી વધુ બાળ લગ્ન, જાણો ભારતની સ્થિતિ

વર્ષ 2025માં પણ બાળ લગ્ન વિશ્વ માટે મોટો પડકાર
Published by: OBS Bureau
Last Updated: Dec 21, 2025, 04:44 PM IST

માનવ અધિકારોના રક્ષણ માટે વૈશ્વિક સ્તરે અનેક કાયદાકીય સુધારાઓ અને સામાજિક અભિયાનો ચલાવવામાં આવ્યા હોવા છતાં વર્ષ 2025 માં પણ બાળ લગ્નની કુપ્રથા એક અભિશાપ બનીને ઉભી છે. દુનિયાના અનેક દેશોમાં હજુ પણ લાખો માસૂમ બાળકોને તેમની પુખ્ત વય થાય તે પહેલા જ લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ આ સમસ્યાના મૂળ આર્થિક નબળાઈ અને સામાજિક કુરિવાજોમાં ઉંડા ઉતરેલા જોવા મળે છે.

નાઇજરમાં બાળ લગ્નનું પ્રમાણ સૌથી વધુ

વર્ષ 2025 ના આંકડાકીય વિશ્લેષણ પ્રમાણે આફ્રિકન દેશ નાઇજર બાળ લગ્નના મામલે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ દેશમાં અંદાજે 76% યુવતીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કરી દેવામાં આવે છે જ્યારે 28% કન્યાઓના લગ્ન તો 15 વર્ષની ઉંમર પહેલા જ કરી દેવાય છે. નાઇજરના મારાડી જેવા વિસ્તારોમાં તો આ દર 89% સુધી પહોંચી ગયો છે જે અત્યંત ભયજનક છે. આ પાછળનું એક મુખ્ય કારણ ત્યાંનું નબળું કાયદાકીય માળખું છે જ્યાં છોકરાઓ માટે લગ્નની વય 18 વર્ષ છે પરંતુ છોકરીઓ માટે તે માત્ર 15 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

ગરીબી અને શિક્ષણનો અભાવ જવાબદાર

નાઇજર સહિતના અન્ય આફ્રિકન દેશોમાં પ્રવર્તતી અતિશય ગરીબી આ પ્રથાને વેગ આપી રહી છે. આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો પોતાની દીકરીઓના જલ્દી લગ્ન કરાવીને ઘરનું નાણાકીય ભારણ ઓછું કરવા માંગતા હોય છે. ઘણીવાર દહેજ અથવા લગ્ન સાથે જોડાયેલી આર્થિક લેવડદેવડ પણ આ માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત શિક્ષણનો અભાવ અને અધવચ્ચેથી શાળા છોડી દેતી કન્યાઓના લગ્ન જલ્દી થવાની શક્યતા વધુ રહેતી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

અન્ય પ્રભાવિત દેશો અને ભારતની સ્થિતિ

નાઇજર સિવાય સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં 68% જ્યારે ચાડમાં 67% અને માલીમાં 54% બાળ લગ્નનો દર નોંધાયો છે. જો ભારતની વાત કરવામાં આવે તો વસ્તીના દૃષ્ટિકોણથી ભારત એક અલગ જ પ્રકારનો રેકોર્ડ ધરાવે છે. ટકાવારીના બદલે સંખ્યાની દૃષ્ટિએ જોતા ભારતમાં બાળ વધુઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. વર્ષ 2025 ના અંદાજ મુજબ ભારતમાં આશરે 22.24 કરોડ મહિલાઓના લગ્ન 18 વર્ષની વય પૂર્ણ કર્યા પહેલા થયા હતા. આંકડા મુજબ વિશ્વની દર ત્રણ બાળ વધુઓમાંથી એક ભારતમાં વસે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now