Home International Strait Of Hormuz Iran Shipping Toll Dispute

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ? : જાણો, સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાં કોણ લગાવી રહ્યું છે ટોલ અને કેટલો?

શું સમુદ્રમાં જહાજો પાસેથી વસૂલવામાં આવે છે ટેલટેક્સ?
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 03:30 PM IST

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા ગજગ્રાહની વચ્ચે હવે દરિયાઈ માર્ગો પર આર્થિક બોજ વધવા લાગ્યો છે. વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી Strait of Hormuz માં ઈરાને વ્યાપારી જહાજો માટે એક ચોક્કસ માર્ગ તૈયાર કર્યો છે. આ સુરક્ષિત ગણાતા રસ્તા પરથી પસાર થવા બદલ માલવાહક જહાજો પાસેથી તોતિંગ ફી વસૂલવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ પગલાથી આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોના મુક્ત અવરજવરના અધિકાર પર પ્રશ્નો ઊભા થયા છે.

દરિયાઈ કાયદાના વૈશ્વિક નિયમો પ્રમાણે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં મુસાફરી કરવા માટે જહાજોએ કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવાનો હોતો નથી. સમુદ્ર એ દુનિયાના તમામ દેશો માટે સમાન સંસાધન છે અને કોઈ પણ રાષ્ટ્ર માત્ર પસાર થવા માટે શુલ્ક લઈ શકે નહીં. જોકે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા સુરક્ષા પૂરી પાડવાના નામે એક જહાજ દીઠ અંદાજે 20 લાખ ડોલરની માંગ કરવામાં આવી રહી છે. લૉયડ્સ લિસ્ટ ઇન્ટેલિજન્સ અનુસાર અનેક જહાજોએ આટલી મોટી રકમ ચૂકવીને ત્યાંથી પસાર થવું પડ્યું છે.

ઈરાનનો દાવો છે કે યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં જહાજોને સુરક્ષિત રાખવા માટે આ ખર્ચ અનિવાર્ય છે. આ માટે ઈરાની સાંસદો દ્વારા નવો કાયદો બનાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના UNCLOS કાયદા મુજબ Strait of Hormuz એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ હોવાથી ત્યાં તમામ દેશોને મુક્ત રીતે પરિવહન કરવાનો અધિકાર છે. તટીય દેશો માત્ર અવરજવરના નામે જહાજો પર કોઈ પણ પ્રકારનો કર લાદી શકે નહીં.

સામાન્ય સંજોગોમાં કુદરતી દરિયાઈ માર્ગો હંમેશા ટેક્સ મુક્ત હોય છે. જહાજોએ માત્ર પનામા અથવા સ્વેઝ નહેર જેવા માનવ નિર્મિત માર્ગો પર જ ટોલ આપવો પડે છે. આ ઉપરાંત કોઈ ચોક્કસ બંદરની સેવાઓ લેતી વખતે જ લાઈટ ફ્રી કે પાયલોટ ચાર્જ ચૂકવવો પડે છે. જહાજની સાઈઝ અને તેમાં રહેલા માલના જથ્થાના આધારે શુલ્કની ગણતરી થાય છે. અત્યારે ઈરાન જે રીતે બળજબરીથી સુરક્ષા શુલ્ક વસૂલી રહ્યું છે તેનાથી આંતરરાષ્ટ્રીય નૌકાદળના નિયમોમાં મોટો ખલેલ પહોંચ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now