Home International Sri Lanka Fuel Price Hike

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ : કયા દેશમાં કેટલા વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો

પાકિસ્તાન પછી હવે આ દેશમાં ઈંધણના વધ્યા ભાવ
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 02:59 PM IST

શ્રીલંકામાં મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ પાડોશી દેશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક ઉર્જા સંકટની સીધી અસર હવે શ્રીલંકાના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. સરકારે પ્રજાને અત્યંત સાવધાનીપૂર્વક અને મર્યાદિત માત્રામાં ઇંધણનો ઉપયોગ કરવા માટે તાકીદ કરી છે.

અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો આસમાને પહોંચતા શ્રીલંકા સરકારે દેશમાં ઇંધણના ભાવમાં વધારો કરવાનો કઠોર નિર્ણય લીધો છે. કેબિનેટ પ્રવક્તા નલિંદા જયતિસ્સાના જણાવ્યા પ્રમાણે વર્તમાન દરો પર તેલનું વેચાણ કરવાથી સરકારને દર મહિને 20 અબજ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પણ સરકાર એક લીટર ડીઝલ પર 100 રૂપિયા અને પેટ્રોલ પર 20 રૂપિયાની સબસિડી આપીને આર્થિક બોજ સહન કરી રહી છે.

નવા ભાવ વધારા બાદ સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લંકા ઓટો ડીઝલની કિંમતમાં 79 રૂપિયાનો વધારો થતા તે 382 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તેવી જ રીતે સુપર ડીઝલના ભાવમાં 90 રૂપિયાનો વધારો કરાતા તે હવે 443 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. પેટ્રોલના ભાવની વાત કરીએ તો ઓક્ટેન 95 પેટ્રોલ 90 રૂપિયા વધીને 455 રૂપિયા અને ઓક્ટેન 92 પેટ્રોલ 81 રૂપિયાના વધારા સાથે 398 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

નોંધનીય છે કે શ્રીલંકામાં માત્ર એક સપ્તાહમાં બીજી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે જ દેશમાં ઇંધણના દર 2022ની આર્થિક કટોકટી વખતની સપાટીએ પહોંચી ગયા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સરકારે ફરી એકવાર ક્યુઆર કોડના આધારે ઇંધણનું વેચાણ શરૂ કર્યું છે જેથી દરેક વાહન માટે તેલનો જથ્થો નિશ્ચિત કરી શકાય. જો કિંમતોમાં આ સુધારો કરવામાં ન આવ્યો હોત તો સરકાર પર અંદાજે 1.5 અબજ ડોલરનો વધારાનો આર્થિક ભારણ વધી ગયું હોત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now