માણસા તાલુકાથી એક ચોંકાવનારી અને હૃદયવિદારી ઘટના સામે આવી છે. માણસાના ચાર યુવાનોનું ઈરાનમાં અપહરણ થયાનું સામે આવ્યું છે. માહિતી મુજબ, આ ચારેય યુવાનો ઓસ્ટ્રેલિયા જવાના ઈરાદે વિદેશ ગયા હતા, પરંતુ ઈરાનમાં અજાણ્યા તત્વોએ તેમનું અપહરણ કર્યું.

અપહરણ કરી વીડિયો મોકલ્યો અને 2 કરોડ માંગ્યા
અપહરણ બાદ અપહરણકારોએ યુવાનોને નગ્ન કરી માર માર્યો અને તેમની હાલતનો વીડિયો બનાવી બાપુપુરા ગામમાં રહેતા તેમના પરિવારજનોને મોકલ્યો છે. આ વીડિયોમાં યુવકોના મોઢા અને હાથ કપડાથી બાંધેલા જોવા મળે છે, તેમજ તેમના શરીર પર લાલ ચાંભાના નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વીડિયો સાથે અપહરણકારોએ 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી છે.
MLA જે એસ પટેલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
ઘટનાની જાણ થતાં માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ એ તાત્કાલિક પગલાં લીધાં છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલે કેન્દ્ર સરકારની મદદ માગી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, 'ઈરાનમાં ફસાયેલા આ ચાર ગુજરાતીઓને સલામત વતનમાં પરત લાવવા માટે ભારત સરકારે તાત્કાલિક કૂટનીતિક સ્તરે દખલ કરવી જોઈએ'.
પરિવારજનો ચિંતામાં
પરિવારજનો હાલ ગભરામણની સ્થિતિમાં છે અને સરકાર પાસેથી ઝડપી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ માણસા તેમજ ઉત્તર ગુજરાતમાં ચિંતા અને આક્રોશનું માહોલ સર્જ્યો છે. હાલ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય આ મામલે ઈરાનના અધિકારીઓ સાથે સંપર્કમાં હોવાનું અનુમાન છે.




















