પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થા દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આત્મીય યુનિવર્સિટી દ્વારા અમૃત સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
"જ્યાં ભક્તિ હોય કર્મ, ત્યાં દેશસેવા બને ધર્મ''
આ પ્રસંગે સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, "આ યાત્રા યુવા પેઢીને નશાની લતમાંથી મુક્ત થવાનો સંદેશ આપનારી છે. સ્વસ્થ ભારત માટે, ચેતનાવાન યુવા માટેનો આ સંકલ્પ છે. ભારતીય સંસ્કૃતિમાં સહિષ્ણુતા, કરુણા અને ભાઈચારાનાં તત્વ સહજ છે. આ યાત્રા એ મૂલ્યોની ઉજવણી છે. જે મોદીજીના નેતૃત્વમાં વૈશ્વિક બન્યાં છે! ‘વસુધૈવ કુટુંબકમ્’—એ જીવનશૈલીછે. આ યાત્રા ભાઈચારા, સહઅસ્તિત્વ અને માનવતાનું પ્રતિનિધિત્વનો સંદેશ આપે છે. આજે નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિને આપણે ભારતમાતાને નશામુક્ત ભારતની ભેટ આપવી છે. નરેન્દ્ર મોદીના જીવનમાં ભક્તિ, સંયમ અને ચિંતન છે. આ યાત્રા યુવા પેઢીને શાંતિ અને સંસ્કાર તરફ દોરી જશે. "જ્યાં ભક્તિ હોય કર્મ, ત્યાં દેશસેવા બને ધર્મ. આત્મીય પરિવારને આ યાત્રા માટે અભિનંદન આપું છું. આ યાત્રા માત્ર માર્ગ પર નહીં, હૃદયમાં સંસ્કાર જગાવતી યાત્રા છે."
‘અમૃત સન્માન યાત્રા’
આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ યાત્રા અંગે વાત કરતા કહ્યું હતું કે, રાજકોટની સરદાર સાહેબની આ જ પ્રતિમા જેનાં ચરણોમાં આપણે એકત્ર થયા છીએ તેને શ્રધ્ધાસુમન અર્પણ કરીને નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની પહેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા પ્રસ્થાન કર્યું હતું. રાજકોટ વિધાનસભાની પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આમ, નરેન્દ્ર મોદીની રાજકીય સફરનું આ આરંભબિંદુ છે. વડનગરમાં નરેન્દ્ર મોદી આજથી પંચોતેર વર્ષ પહેલાં જનમ્યા. પણ, તેમનો રાજકીય રીતે એક રાષ્ટ્રપુરુષ તરીકેનો જન્મ સરદાર સાહેબની આ પ્રતિમાને શ્રધ્ધા સુમન અર્પીને થયો હતો. તેમની રાજકીય સફરનું આ આરંભબિંદુ છે! એટલે જ તેમના જન્મદિને આત્મીય પરિવાર દ્વારા યોજાયેલ આ ‘અમૃત સન્માન યાત્રા’નો પ્રારંભ સરદાર સાહેબના ચરણોમાંથી કરવાનું નક્કી કર્યું''.
''નરેન્દ્ર મોદીને આપણે ચાલતા જોયા છે...''
ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદીને આપણે ચાલતા જોયા છે...આત્મવિશ્વાસ, ખુમારી અને તેજસ્વીતા સહજ અભિવ્યક્ત થતી હોય. એમની ચાલમાં ભારતની આત્મશક્તિનો પરિચય મળતો હોય. આથી, નશામુક્ત ભારત, સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત, સુંદર ભારત, આત્મનિર્ભર ભારત, માનવીય જીવનમૂલ્યોથી સભર થવાના સંકલ્પ સાથે સેવારત ભારતનો સંદેશ પ્રસરે એટલે નરેન્દ્ર મોદીની જેમ ખુમારી ભરી ચાલથી ચાલતા યુવાનો – વિદ્યાર્થીઓની આ પદયાત્રા આત્મીય યુનિવર્સિટીનાં માધ્યમથી યોજાઈ છે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ દોશી સહિતના લોકો આ અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.