31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમેરિકાના સિએટલમાં ભારતીય વાણિજ્ય-દૂતાવાસ (કોન્સ્યુલેટ)ના નવા ચાન્સરી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાના સન્માનમાં “વૉલ ઑફ યુનિટી”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. વૉલ ઑફ યુનિટી એટલે કે એકતાના પ્રતીક તરીકેની દિવાલ ગુજરાતના કેવડિયામાં નર્મદા ખીણની પૃષ્ઠભૂમિ સામે સ્થાપિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું મનોહર ચિત્ર રજૂ કરે છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ 31 ઑક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
"વૉલ ઑફ યુનિટી"
નોંધનીય છે કે, સિએટલમાં સ્થાપિત "વૉલ ઑફ યુનિટી" ભારતની વિવિધતામાં એકતાની શક્તિને ઉજાગર કરશે, સાથે જ અમેરિકાના પૅસિફિક નોર્થવેસ્ટ ક્ષેત્રના પ્રવાસીઓમાં તેનું આકર્ષણ વધવાને કારણે ગુજરાતના કેવડિયામાં પ્રવાસનને વેગ મળશે. 30x14 ફૂટનું આ ઇન્સ્ટોલેશન કોન્સ્યુલેટના મુખ્ય મુલાકાતી વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તે ભારતના તમામ 28 રાજ્યોમાંથી "વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP)" વસ્તુઓ પ્રદર્શિત કરતા એક્ઝિબિશનની બાજુમાં આવેલું છે, જે મુલાકાતીઓને દેશના પર્યટન અને સાંસ્કૃતિક વિવિધતાનો જીવંત અનુભવ કરાવે છે.
કોન્સ્યુલેટનો મલ્ટીપર્પઝ હૉલ (વિવિધ હેતુઓ માટેનો ખંડ) તાજેતરમાં જ ખુલ્લો મુકાયો છે. તેમાં દર મહિને લગભગ 200 મુલાકાતીઓ આવે છે, જેમાં સ્થાનિક મહાનુભાવો, સમુદાય સંગઠનો, વ્યાપારી નેતાઓ, કોન્સ્યુલર અરજદારો અને ભારતીય અમેરિકન સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. આજે અનાવરણ સમારોહમાં “વૉલ ઑફ યુનિટી” ઇન્સ્ટોલેશન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કોન્સ્યુલ જનરલે અનાવરણ સમારોહમાં હાજરી આપનારા તમામ અધિકારીઓને "રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા" પણ લેવડાવી હતી.





















