Vadodara teachers accident: વડોદરાના ચાર શિક્ષક મિત્રો પાવાગઢના પ્રવાસે ગયા બાદ પરત ફરતી વેળાએ નર્મદા કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે શિક્ષકો કેનાલમાં ડૂબી ગયા હતા, જેમાં ત્રીજા દિવસે એક શિક્ષક રાહુલ વિરેન્દ્ર યાદવનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા શિક્ષક શુભમ મિથિલેશકુમાર પાઠકની શોધખોળ હજુ યથાવત છે. આ દુ:ખદ ઘટનાએ શિક્ષક સમાજ તેમજ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ પ્રસરાવી દીધું છે.
નર્મદા કેનાલ નજીક કાર રોકીને તેઓ પાળી પર બેઠા હતા
ઘટનાની વિગતો મુજબ, વડોદરામાં રહેતા વિદ્યુત પ્રસાદસિંગ, રાહુલ વિરેન્દ્ર યાદવ, શુભમ મિથિલેશકુમાર પાઠક અને અશિત જન્મેજયભાઈ ઓઝા રવિવારે કારમાં પાવાગઢ ફરવા ગયા હતા. પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા નર્મદા કેનાલ નજીક કાર રોકીને તેઓ પાળી પર બેઠા હતા. તે દરમિયાન રાહુલ યાદવ પગ ધોવા કેનાલ પાસે ગયા, જ્યાં અચાનક પગ લપસી જતાં તેઓ કેનાલમાં પડી ગયા અને ડૂબવા લાગ્યા.
પ્રવાહ અત્યંત તીવ્ર હોવાથી શુભમ પણ સંતુલન ગુમાવી ડૂબી ગયા
રાહુલને બચાવવા શુભમ પાઠક તુરંત કેનાલમાં કૂદી પડ્યા હતા. જોકે, કેનાલમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર હોવાથી શુભમ પણ સંતુલન ગુમાવી ડૂબી ગયા. કિનારે હાજર બે મિત્રોને તરવું ન આવડતું હોવાથી તેઓ બંનેને બચાવી શક્યા નહીં અને પોતાની આંખ સામે જ બંને મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા.
મૃતદેહ કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી મળી આવ્યો
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક તંત્રએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. બે દિવસની સઘન શોધ બાદ ત્રીજા દિવસે રાહુલ યાદવનો મૃતદેહ ખંડીવાળા નર્મદા કેનાલથી આશરે 20 કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમા ગામ પાસેથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ શુભમ પાઠકની શોધખોળ ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા ચાલુ રાખવામાં આવી છે. આ ઘટનાએ પરિવારજનોમાં આક્રંદ મચાવી દીધો છે, સાથે જ નર્મદા કેનાલ વિસ્તારમાં સલામતીના મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.




















