Home Gujarat Ahmedabad Ahmedabad Liquor Permit Scam Rs 1 80 Lakh Embezzlement Shahibaug Fir

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ : રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 09:21 AM IST

અમદાવાદમાં લીકર પરમિટ ઇશ્યૂ અને રિન્યુ પ્રક્રિયામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રોગી કલ્યાણ સમિતિના નામે ફી વસૂલ કરીને સરકારી ખાતામાં જમા ન કરવાના આરોપ હેઠળ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં કુલ 9 પરમિટધારકો પાસેથી પ્રત્યેકના રૂ. 20 હજાર પ્રમાણે કુલ રૂ. 1.80 લાખ વસૂલવામાં આવ્યા હતા. આ રકમ રોકડમાં લેવામાં આવી હોવા છતાં સરકારી ખાતામાં જમા કરાવવામાં આવી ન હતી, જેને લઈને ગેરરીતિનો મામલો સામે આવ્યો છે.

આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નશાબંધી વિભાગના સિનિયર ક્લાર્ક કરશન વાઘેલા તેમજ આઉટસોર્સ કર્મચારીઓ નવીન ડાભી અને વસંત નિનામા સામે ગુનો નોંધાયો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પરમિટ ઇશ્યૂ અને રિન્યુ પ્રક્રિયા દરમિયાન આ ગેરરીતિ કરવામાં આવી હતી. કેટલાક કેસોમાં "ફ્રી સેવા"ના નામે રોકડ રકમ લઈ તે રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવામાં આવી નહોતી.

આ મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે. સમગ્ર કૌભાંડની તપાસ માટે ખાસ કમિટી બનાવવામાં આવી છે અને વધુ લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સત્તાધીશો દ્વારા તમામ પરમિટધારકોનો સંપર્ક કરીને વસૂલ કરાયેલી રકમની ચકાસણી પણ કરવામાં આવશે. આ કેસથી સરકારી વિભાગોમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now