ગાંધીનગરમાં નશીલા પદાર્થો સામે પોલીસની કડક કાર્યવાહી હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા એક આરોપીને ચરસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસે સેક્ટર-4/A નજીક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીની પાસેમાંથી આશરે 1.5574 કિલોગ્રામ ચરસ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલ ચરસની બજાર કિંમત અંદાજે રૂ. 3,89,350 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત, પોલીસે ગાંજા સહિત રૂ. 3,94,350 નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે, જેમાં વધુ નશીલા પદાર્થોના નેટવર્ક અંગે માહિતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગર પોલીસ અને LCB ની આ સફળ કામગીરીને કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે. પોલીસે જણાવ્યું કે ભવિષ્યમાં પણ નશીલા પદાર્થો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.



















