અમદાવાદ: સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અમદાવાદના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬‘નો ભવ્ય પ્રારંભ થયો છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય પરંપરાગત કઠોળ અને જાડા અનાજ (મિલેટ્સ) ના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, નિરોગી અને લાંબુ આયુષ્ય જીવવા માટે મિલેટ અને પ્રાકૃતિક ખેતીની પેદાશો જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને બિરદાવતા કહ્યું કે, PM મોદીએ જી-20 સમિટ દરમિયાન વિશ્વભરના મહાનુભાવોની ભોજન થાળીમાં ભારતીય મિલેટ પીરસીને તેને વૈશ્વિક ઓળખ અપાવી છે. હવે સમય પાકી ગયો છે કે આપણે પણ આપણા રોજિંદા આહારમાં પિઝા-બર્ગર જેવા રેડીમેડ ફૂડને ત્યાગીને બાજરી, જુવાર અને રાગી જેવા પૌષ્ટિક અનાજનો સમાવેશ કરીએ, જે આવનારી પેઢીના આરોગ્યને મજબૂત બનાવશે.

જાડા અનાજ: ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સામે અચૂક શસ્ત્ર
મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, બાજરી, જુવાર, રાગી, કંગની અને કોદરી જેવા જાડા અનાજ નવી પેઢી માટે કદાચ અજાણ્યા હોઈ શકે, પરંતુ તે પાચન માટે ઉત્તમ છે. આ અનાજ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવા આધુનિક રોગોને નિયંત્રિત કરવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. તેમણે આદિવાસી વિસ્તારોના લોકોનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાંના લોકો આજે પણ મકાઈ અને જુવારના રોટલા ખાય છે, તેથી જ તેઓ વધુ તંદુરસ્ત અને ખડતલ રહે છે.

ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સહકારી માળખું મજબૂત
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. પ્રદેશ અધ્યક્ષે માહિતી આપી હતી કે, હવે ખેડૂતોની જમીન સર્ટિફાઈડ કરવામાં આવશે અને તેમની ઓર્ગેનિક પ્રોડક્ટ્સને 'અમૂલ' જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ હેઠળ દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવશે. ‘નેશનલ કો-ઓપ એક્સપોર્ટ લિમિટેડ’ અને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહ્યો છે, જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
જીતુભાઈ વાઘાણી અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી રમેશભાઈ કટારા તેમજ કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મહોત્સવમાં મિલેટમાંથી બનતી અવનવી વાનગીઓ અને તેના ફાયદા દર્શાવતા સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૫ લાખથી વધુ નાગરિકોએ આ મહોત્સવનો લાભ લીધો હતો, જે આ વર્ષે વધવાની શક્યતા છે.

દર વર્ષે ઉજવાશે મિલેટ મહોત્સવ
જગદીશભાઈએ સ્પષ્ટ કર્યું કે, મિલેટ વર્ષની ઉજવણી માત્ર એક વર્ષ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેને દર વર્ષે ઉજવીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ સતત પ્રાકૃતિક ખેતી માટે રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યા છે. આ મહોત્સવ દ્વારા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, PM મોદી સાહેબના નેતૃત્વની અંદર, સામાન્ય રીતે જનતાને નુકસાન ન થાય એમના માટેના પ્રયાસો આપણે જાણીએ છીએ કે ગેસમાં પણ થયા છે, CNG ના પણ થયા છે. આગામી સમયની અંદર આપણે ઈચ્છીએ કે જે વૈશ્વિક સ્થિતિ ઉભી થઈ છે, એ સ્થિતિમાંથી જલ્દી વિશ્વ બહાર આવે, એમના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે. હંમેશા ભારત... આપણે મોદી સાહેબનો પણ વ્યૂ જોયો છે કે શાંતિની પહેલ વાળો વ્યૂ છે. શાંતિ ઈચ્છતું આપણું ભારત એ વિશ્વને પણ સંદેશો આપી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિઓને માનનીય મોદી સાહેબ, માનનીય કેન્દ્રની સરકાર એ સતત નજર રાખી રહી છે અને જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને મુશ્કેલી ન પડે એના માટેના તમામ પ્રયાસો એ ભારત સરકારે પણ એકવાર કહ્યું છે. આપણને બધાને શ્રદ્ધા છે કે મોદી સાહેબ હંમેશા સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે [એ માટે કાર્યરત છે] પણ વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ લાંબા સમય સુધી ચાલે તો સ્વાભાવિક છે નાની મોટી મુશ્કેલીઓ એ પડે, પણ એના માટે સરકાર સજ્જ છે."



















