Mahisagar Contaminated Water : મહીસાગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સંતરામપુર નગરપાલિકાની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને અહીં પણ રોગચાળો વકરે તો નવાઈ નહીં એવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક એક આગેવાને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સંતરામપુર નગરપાલિકાની પોલ ખોલી છે.
ગટરના પાણી નદીમાં ઠાલવાતા રોષ
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે સંતરામપુર પાસેથી પસાર થતી ચિબોટા નદીમાં નગરપાલિકાના ગટરના પાણી સીધા ઠલવાઈ રહ્યા છે. નગરની ગટર લાઈનોનું ગંદું પાણી નદીમાં મળતાં ચિબોટા નદી પ્રદૂષિત થઈ રહી છે. સ્થાનિક આગેવાને વીડિયોના માધ્યમથી પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને આ બેદરકારીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થવાની ચેતવણી આપી છે. ખાસ વાત એ છે કે ભાજપ શાસિત સંતરામપુર નગરપાલિકાના ગટરના ઢાંકણાં પર ભાજપનો ઝંડો પણ જોવા મળ્યો છે, જેને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે.
બાલાસિનોરમાં કમળાના કેસો વધ્યા
બીજી તરફ બાલાસિનોરમાં કમળાના કેસોને લઈને જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સગર દ્વારા કમળાના ભોગ બનેલા બાળકોની મુલાકાત લેવામાં આવી હતી અને તેમણે તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા. સાથે જ કલેક્ટરે નગરમાં જ્યાં વધુ કમળાના કેસો નોંધાયા છે તે વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.
વહીવટીતંત્ર એક્શન મોડમાં
જિલ્લામાં અત્યાર સુધી કમળાના કુલ 478 કેસ નોંધાઈ ચૂક્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં હાલ 52 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂરિયાત મુજબ પીવાના પાણીની લાઈનો બદલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી દૂષિત પાણીથી ફેલાતો રોગચાળો અટકાવી શકાય. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.





















