Navneet Baldhia attack case : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં કોળી સમાજના યુવક નવનીત બાલધિયા ઉપર થયેલા ગંભીર હુમલાના મામલે પોલીસ વિભાગમાં મોટા ફેરફારો અને કાર્યવાહી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને તપાસ વધુ ગંભીર રીતે આગળ વધારવા માટે તળાજાના ડી.વાય.એસ.પી. એમ.બી. નકુમને મહુવા ડી.વાય.એસ.પી. તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સાથે જ હાલ રેન્જ આઈ.જી. કચેરી ખાતે ખાસ તપાસ ટીમ (SIT)ના પોલીસ અધિકારીઓ અને રેન્જ આઈ.જી. વચ્ચે મહત્વપૂર્ણ બેઠક શરૂ કરવામાં આવી છે, જેમાં સમગ્ર કેસની તપાસ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
નવનીત બાલધિયા ઉપર થયેલા હુમલાનો મામલો
આ ઘટનાના પગલે બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.વી. ડાંગરને લિવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત મહુવાના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. રહેલા રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે, જે આ કેસની ગંભીરતાને દર્શાવે છે. SIT દ્વારા હવે એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ હુમલા કેસમાં અન્ય કોઈ આરોપીઓના નામ ખુલ્લા પડે છે કે કેમ, અને તમામ સંભવિત સંડોવાયેલા લોકો ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે.
સૌની નજર SITની તપાસ ઉપર ટકેલી
હાલ SITની ટીમ દ્વારા FIRથી લઈને ઘટનાના દરેક પાસા અંગે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાની પૃષ્ઠભૂમિ, કારણો, સંડોવાયેલા વ્યક્તિઓ અને પોલીસ કાર્યવાહી સહિત તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસને લઈને સ્થાનિક લોકો તેમજ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા ચાલી રહી છે અને ન્યાયની અપેક્ષા સાથે સૌની નજર SITની તપાસ ઉપર ટકેલી છે.




















