Home Gujarat Vadodara Gujarat Dycm Harsh Sanghavi Police Housing

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે" : વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 01:35 PM IST

રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે વડોદરાને મળેલા કરોડોના પ્રોજેક્ટ્સની સાથે-સાથે ગુજરાત પોલીસની કામગીરી અને ગુનેગારોને કડક ચેતવણી આપતું આક્રમક સંબોધન કર્યું હતું.

વડોદરા માટે વિકાસની વણઝાર

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં જ વડોદરાને 725 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ મળ્યા છે. જેમાં કરજણના મોટી કોરલ ખાતે બનનારા 207 કરોડના ઐતિહાસિક બ્રિજનો પણ સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે વડોદરા અનેક ક્ષેત્રોમાં નંબર 1 છે અને હવે ટેક્નોલોજીના માધ્યમથી વધુ ઊંચાઈઓ સર કરવાની છે. આવાસ યોજના અંગે તેમણે ગૌરવભેર કહ્યું કે, આખા દેશમાં ક્યાંય પોલીસ માટે એકસાથે આટલા આવાસ નથી બન્યા, જેટલા ગુજરાતમાં 20,000 પોલીસ આવાસ બની રહ્યા છે.

પોલીસની કામગીરીના કર્યા વખાણ

ગૃહ મંત્રીએ ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા કહ્યું કે, "ભારે ગરમી હોય, વરસાદ હોય કે તાજેતરમાં આવેલું વાવાઝોડું—જ્યારે લોકો પોતાના દરવાજા બંધ કરી દે છે, ત્યારે મારો પોલીસ પરિવાર ખડેપગે જનતાની સેવામાં હોય છે. આતંકી હુમલો હોય કે કોરોના કાળ, ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહી છે."

ગુનેગારો અને 'લુખ્ખા' તત્વોને કડક ચેતવણી

પોતાના સંબોધનમાં ગુનેગારોને આડકતરી ચેતવણી આપતા તેમણે કહ્યું કે, "ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી. જો કોઈ ટપોરી કે લુખ્ખા તત્વો સામાન્ય જનતાને હેરાન કરશે, તો ગુજરાત પોલીસ 'હનુમાન' બનીને તેમને સીધા કરશે. જો ક્યાંય મારી ટીમ ચૂક કરે તો મને કહેજો, હું અડધી રાત્રે પણ બેઠો છું અને કોઈની ભલામણ સાંભળવાનો નથી."

સોશિયલ મીડિયા અને વિકાસ પર કટાક્ષ

વિકાસના વિરોધીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જે લોકોએ માત્ર મોદી શાસન જોયું છે તેમના માટે વિકાસ નવી વાત નથી, પણ જેણે ભૂતકાળનું શાસન જોયું છે તેમને પૂછો તો ખબર પડે. અત્યારે સોશિયલ મીડિયા પર 10 કિમીના રોડ પર 500 મીટર કચરો દેખાય તો તેના વીડિયો વાયરલ થાય છે, પણ બાકીનો 9.5 કિમીનો સાફ રસ્તો કોઈ બતાવતું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now