Vadodara News : વડોદરામાં પરમાણુ ઊર્જા ક્ષેત્રે દેશ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ત્રણ વર્ષના સઘન સંશોધન અને મહેનત બાદ વડોદરામાં સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનરનું સફળ નિર્માણ કરવામાં આવ્યું છે. ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાયેલા ફ્યુઅલ રોડ્સને સુરક્ષિત રીતે પરિવહન કરવા અને સંગ્રહિત રાખવા માટે જરૂરી મહત્વના સાધનો હવે સ્થાનિક કક્ષાએ જ તૈયાર થઈ રહ્યા છે. આ સાથે વડોદરાએ પરમાણુ ઊર્જા સાધનોના ઉત્પાદનના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવી લીધું છે.
મેક ઇન ઇન્ડિયાને મોટું બળ
પરમાણુ ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ફ્યુઅલ રોડ્સની લાઇફ સાયકલ પૂર્ણ થયા બાદ તેમાં ભારે વિકિરણો અને ઊંચું તાપમાન રહેતું હોવાથી તેને હેન્ડલ કરવું અત્યંત જોખમી હોય છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુ-235 યુરેનિયમથી ફિશન પ્રક્રિયા દ્વારા પાણી ગરમ કરવામાં આવે છે, જેના કારણે વરાળ ઉત્પન્ન થાય છે અને ટર્બાઇન ફરીને વીજળી ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા ફ્યુઅલ રોડ્સ સમયાંતરે બદલવામાં આવે છે. આવા વપરાયેલા રોડ્સને પહેલા રિએક્ટર અંદરના પાણી ભરેલા પોન્ડમાં વર્ષો સુધી રાખવામાં આવે છે જેથી વિકિરણ અને તાપમાન નિયંત્રણમાં આવે.
સામાન્ય રીતે 6થી 7 વર્ષ બાદ આ સ્પેન્ટ ફ્યુઅલ રોડ્સને રિએક્ટર બહાર ખસેડવાની જરૂર પડે છે. ત્યારબાદ તેને ખાસ બનાવેલા ફ્યુઅલ પોન્ડ, સ્ટોરેજ રેક અને ટ્રાન્સપોર્ટેશન કન્ટેનરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા માટે અત્યંત આધુનિક અને ચોક્કસ માપદંડ મુજબના સાધનો જરૂરી હોય છે. અત્યાર સુધી આવા ફ્યુઅલ ટ્રાન્સફર મશિન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર અને સ્ટોરેજ રેક્સ વિદેશમાંથી આયાત કરવા પડતા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરતા વડોદરાની એક એમએસએમઇ કંપની ‘વિવિધ હાઇફેબ’ દ્વારા ત્રણ વર્ષના સંશોધન બાદ આ તમામ સાધનોનું સ્થાનિક નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ફ્યુઅલ ટ્રાન્સફર મશિન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર અને સ્ટોરેજ રેક – આ ત્રણેય મહત્વના સાધનો એક જ સ્થળે બનતા હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના છે.
રેક્સ તમામ માપદંડો પર ખરા ઉતર્યા
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ આ એકમ દ્વારા પ્રથમ તબક્કામાં સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ (SFSR)નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેક્સ ન્યુટ્રોન એમિશન અટકાવી શકે તેવા બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તબક્કાવાર કડક તપાસમાં આ રેક્સ તમામ માપદંડો પર ખરા ઉતર્યા છે. આ રેક્સ હવે કાલે કુડાનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મોકલવામાં આવશે. આવનારા દિવસોમાં ફ્યુઅલ ટ્રાન્સફર મશિન અને સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર પણ તૈયાર થઈ જશે અને તેને પણ પ્લાન્ટ સુધી મોકલવામાં આવશે. વડોદરાના ઔદ્યોગિક ક્ષેત્ર માટે આ મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પરમાણુ ઊર્જા જેવા અતિ સંવેદનશીલ અને ઉચ્ચ તકનીકી ક્ષેત્રમાં સ્થાનિક એકમ દ્વારા સફળતા હાંસલ થવી એ દેશની તકનીકી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવતી આ સિદ્ધિ માટે સંબંધિત એકમના ત્રણ વર્ષના સઘન સંશોધન અને પ્રયત્નો ખરેખર અભિનંદનને પાત્ર છે.




















