Vadodara Jail Death Case : વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા ભોગવી રહેલા એક કેદીનું સારવાર દરમિયાન મોત થતાં જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. ગતરોજ વડોદરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં દોષિત ઠેરવી દોઢ વર્ષની સજા અને રૂ. 1.50 લાખનો દંડ ફટકારેલા 52 વર્ષીય પ્રિતેશ કાંતિલાલ જાધવને કોર્ટના હુકમ બાદ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ જેલમાં ગયા બાદ બીજા જ દિવસે તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી.
જેલમાં ગયાના બીજા દિવસે કેદીનું મોત
મળતી માહિતી મુજબ, પ્રિતેશ જાધવની તબિયત ખરાબ થતા જ જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમની હાલત વધુ બગડતાં અંતે તેમનું મોત થયું હતું. કેદીના અવસાનની જાણ થતાં જ જેલ અને પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
મૃતકના પત્નીએ શું કહ્યું?
આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકની પત્નીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને મકાનમાલિક દ્વારા હપ્તા બાબતે સતત દબાણ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. વારંવાર ચેક બાઉન્સ થવાની વાતોને લઈને માનસિક તણાવ ઊભો કરવામાં આવતો હતો, જેના કારણે પ્રિતેશ લાંબા સમયથી માનસિક તાણમાં રહેતા હતા તેમ પત્નીએ આક્ષેપ કર્યો હતો.
ન્યાયસંગત તપાસ કરવાની માંગ કરી
પરિવારજનોએ પ્રિતેશના મોત પાછળ કોઈ બેદરકારી તો નથી ને, તે અંગે ન્યાયસંગત તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ, જેલ પ્રશાસનનું કહેવું છે કે કેદીની તબિયત બગડતાં જ તાત્કાલિક સારવારની તમામ કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી હતી. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના સાચા કારણો સ્પષ્ટ થઈ શકશે. આ ઘટનાએ ફરી એકવાર જેલની અંદરની આરોગ્ય વ્યવસ્થા અને કેદીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.




















