Swabhiman Parva : સોમનાથમાં આયોજિત ત્રણ દિવસીય સ્વાભિમાન પર્વની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં સમગ્ર નગર ઉત્સવમય માહોલમાં રંગાઈ ગયું છે. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ઉજવાતા આ પર્વની પૂર્વસંધ્યાએ જ સોમનાથ ધામ દિવ્યતા અને ભવ્યતાથી ઝળહળી ઊઠ્યું છે. સોમનાથના મુખ્ય માર્ગો પર આકર્ષક લાઇટિંગ, બેનરો અને ધ્વજપતાકાઓથી શોભા વધારી દેવામાં આવી છે, જેથી સમગ્ર શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ સર્જાયો છે.
શૌર્ય યાત્રા અને શૌર્યસભાનું આયોજન
આ સ્વાભિમાન પર્વ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય યાત્રા અને શૌર્યસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સોમનાથમાં આસ્થા, ઇતિહાસ અને રાષ્ટ્રગૌરવનો અનોખો સંગમ જોવા મળશે. સ્વાભિમાન પર્વને આસ્થા, ગૌરવ અને શૌર્યનું વિરાટ પ્રતિક ગણવામાં આવે છે, જેમાં એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાનું સ્મરણ કરવામાં આવશે.
સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
મંદિર પરિસર અને આસપાસ આવનારા હજારો ભાવિકોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે તેમજ ટ્રાફિક નિયંત્રણ અને આરોગ્ય સેવાઓ માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે દરેક સ્તરે આયોજન કરવામાં આવ્યું છે.
‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના નાદ
સ્વાભિમાન પર્વના ભવ્ય મંગલ પ્રારંભ સાથે જ રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા હજારો શિવભક્તો સોમનાથ પહોંચી ગયા છે. રેલવે સ્ટેશન પર ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના નાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. વિશેષ ટ્રેન સુવિધાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે અમદાવાદ, સુરત અને વડોદરા પરથી પણ વિશેષ ટ્રેનો દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચશે.




















