Surat VHP Protest : સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા શરૂ થાય એ પહેલાં જ ભારે વિવાદ સર્જાયો હતો. વિસ્તારમાં ઠેર-ઠેર આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓના પોસ્ટરો લાગતાં રાજકારણ ગરમાયું હતું. આ પોસ્ટરોમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા મૂકવામાં આવ્યા હતા, જેમાં તેમના ચહેરા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવું એડિટિંગ કરવામાં આવ્યું હતું. પોસ્ટર પર નિમંત્રક તરીકે “મુસ્લિમ સમાજ – મીઠી ખાડી” એવું લખાણ પણ કરવામાં આવ્યું હતું.
ટોપી પહેરેલા AAP નેતાઓના ફોટા પર શાહી લગાવી
આ પોસ્ટરો સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. VHPના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના નેતાઓને ‘હિન્દુવિરોધી’ ગણાવી વિરોધપ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી, જેને લઈ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. સભા પહેલાં જ આ રીતે વિરોધ થતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
'એક ‘મુઘલો’ની આમસભા યોજાવાની'
VHPના એક કાર્યકર્તાએ નિવેદન આપતાં કહ્યું હતું કે, “આજે સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં ‘મુઘલો’ની એક આમસભા યોજાવાની છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાનો પગ પેસારો કરતા હતા, તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે.” આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ તણાવપૂર્ણ બન્યો હતો. સભા શરૂ થાય એ પહેલાં જ ઊભા થયેલા આ વિવાદને કારણે ગોડાદરા વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો





















