વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના બીજા દિવસે સંબોધન કરતા દેશની સુરક્ષા અને સાંસ્કૃતિક વારસા અંગે મહત્વની ચેતવણી આપી છે. પીએમ મોદીએ ઇતિહાસને ટાંકીને જણાવ્યું કે આઝાદી બાદ જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું બીડું ઝડપ્યું હતું, ત્યારે તેમને પણ રોકવાના ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સરદાર પટેલના સંકલ્પનો વિરોધ થયો હતો
પીએમ મોદીએ જણાવ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે સરદાર પટેલના સોમનાથ પુનઃનિર્માણના સંકલ્પ સામે તે સમયે તીવ્ર વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, 1951માં જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મંદિરની મુલાકાતે આવવાના હતા, ત્યારે પણ તે સમયની સત્તા દ્વારા અવરોધો ઉભા કરાયા હતા. વડાપ્રધાને આક્ષેપ કર્યો કે જે શક્તિઓએ તે સમયે આ પવિત્ર કાર્યનો વિરોધ કર્યો હતો, તે શક્તિઓ આજે પણ દેશમાં સક્રિય છે અને ભારત વિરુદ્ધ કાર્ય કરી રહી છે.
સાજિશો સામે એકતાનું આહ્વાન
વડાપ્રધાને આકરા શબ્દોમાં કહ્યું કે હવે આક્રમણખોરોની તલવારોની જગ્યા ભારત વિરોધી છૂપી સાજિશોએ લીધી છે. તેમણે દેશવાસીઓને સાવચેત કરતા જણાવ્યું કે આપણે વિભાજનકારી તાકાતો સામે વધુ જાગૃત અને સંગઠિત થવું પડશે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે છેલ્લા 1000 વર્ષનો સંઘર્ષ આપણને આગામી 1000 વર્ષના ઉજ્જવળ અને અખંડ ભારત માટે તૈયાર રહેવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે વડાપ્રધાને ઋષિકુમારો સાથે મુલાકાત કરી હતી અને સોમનાથ ટ્રસ્ટના કાર્યોની સમીક્ષા પણ કરી હતી.




















