PM Modi degree case : PM નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કરાયેલા નિવેદનોના મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે બંને નેતાઓની કેસથી અલગ કરવાની અરજીઓ ફગાવી દીધી છે, જેના કારણે હવે બંને સામે માનહાનિનો કેસ આગળ ચાલશે.
ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2023માં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ દ્વારા PM નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે કરાયેલા નિવેદનોને લઈને ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે બંને નેતાઓની અરજીઓ નામંજૂર કરી હતી. સેશન્સ કોર્ટના આ નિર્ણય સામે કેજરીવાલ અને સંજયસિંહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સંજયસિંહે કરેલી અરજી પણ હાઇકોર્ટે નામંજૂર કરી
હાઇકોર્ટમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે નિર્ણય આપતા અરવિંદ કેજરીવાલની કેસથી અલગ કરવાની અરજી ફગાવી દીધી હતી. સાથે જ સાંસદ સંજયસિંહે કરેલી અરજી પણ ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી છે. બંને નેતાઓએ સેશન્સ કોર્ટના નિર્ણયને અયોગ્ય ગણાવી તેને રદ કરવાની માગ કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેમાં કોઈ રાહત આપી નથી.
2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી
ગુજરાત યુનિવર્સિટીએ 2023માં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ કેસમાં હાઇકોર્ટના આ નિર્ણય બાદ હવે વડાપ્રધાનની ડિગ્રી મુદ્દે દાખલ થયેલ માનહાનિ કેસમાં ટ્રાયલ આગળ વધશે. કેજરીવાલ અને સંજયસિંહ બંને સામે કાયદેસર કાર્યવાહી ચાલુ રહેશે. આ ચુકાદાને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.




















