ગાંધીનગરમાં આજે PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભારત–જર્મની સંબંધો અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો થયા છે, જે ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે આજે મહત્વનો દ્રિપક્ષીય સંવાદ પણ થયો છે, જેમાં વિવિધ વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
'આ કરાર બંને દેશો માટે ગેમ ચેન્જર સાબિત થશે'
પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને ગ્રીન હાઈડ્રોજન કરારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ કરાર બંને દેશો માટે ગેમ ચેન્જર સાબિત થશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. તેમણે કહ્યું કે હાલ ભારત અને જર્મની વચ્ચે લગભગ 50 બિલિયન ડોલરનો વેપાર થઈ રહ્યો છે અને તેને વધુ વિસ્તૃત કરવાની અપાર શક્યતાઓ છે. આ સાથે જ ટેક્નોલોજી ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા હોવાનું તેમણે જણાવ્યું.
'આજે થયેલા વિવિધ MOU બંને દેશોના વિકાસને નવો વેગ આપશે'
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું કે આજે રમતગમતના આયોજન અને સહકાર અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. આજે થયેલા વિવિધ MOU બંને દેશોના વિકાસને નવો વેગ આપશે અને યુવાનો માટે નવી તકો સર્જશે. તેમણે જર્મન વિશ્વવિદ્યાલયોને ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા આમંત્રણ આપ્યું હોવાનું પણ જણાવ્યું, જેથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહકાર વધે. આતંકવાદ મુદ્દે સ્પષ્ટ વલણ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિ સંપૂર્ણપણે સાફ અને અડગ છે. સાથે જ તેમણે ઉમેર્યું કે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે થતા તમામ સકારાત્મક પ્રયાસોનું ભારત સ્વાગત કરે છે.





















