અમદાવાદમાં ફરી એકવાર પાલતુ શ્વાનનો આતંક સામે આવ્યો છે. ન્યુ મણીનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સ એપાર્ટમેન્ટમાં પાલતું જર્મન શેફર્ડ કુતરાએ બે નાનાં બાળકો પર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ એક મહિલા પોતાનું પાલતું જર્મન શેફર્ડ કુતરું લઈને બિલ્ડિંગના પાર્કિંગમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે બિલ્ડિંગમાં રમતા બે નાના બાળકોને કુતરું જોતા જ તેઓ ડરીને ભાગવા લાગ્યા હતા.
જર્મન શેફર્ડ કુતરાએ બે નાનાં બાળકો પર હુમલો કર્યો
બાળકોને ભાગતા જોઈને કુતરાએ તેમની પાછળ દોડ મારી હતી. ભાગતા ભાગતા એક બાળક નીચે પડી ગયો હતો, જેના પગલે જર્મન શેફર્ડે તેના પર ઝંપલાવ્યું અને દાંત બેસાડી દીધા. બીજા બાળકને પણ બચાવના પ્રયાસ દરમિયાન ઈજા પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકોને તાત્કાલિક બચાવી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બંને બાળકોને ઈજાઓ પહોંચી છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
લોકોમાં ડરનો માહોલ
ઉલ્લેખનીય છે કે, આ પહેલી વાર નથી જ્યારે શહેરમાં પાલતું કુતરાઓના હુમલાની ઘટના સામે આવી છે. છ મહિનાં પહેલા હાથીજણ વિસ્તારમાં પણ રોટવિલર જાતિના કુતરાએ ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. ન્યુ મણીનગરના શરણમ એલિગન્સમાં રહેતા આશરે 45 વર્ષના વ્યક્તિ, જે ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે, તેમના કુતરાએ આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.





















