Vadodara News : વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી વધુ એકવાર સામે આવી છે. માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક આશાસ્પદ યુવકના મોતની ઘટના બાદ પણ પાલિકા તંત્રએ કોઈ શબક લીધો નથી, તેવું ખિસકોલી સર્કલ પાસે જોવા મળેલી સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે. અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા બે દિવસથી ગટરના ઢાંકણા ખુલ્લા પડ્યા હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકોના જીવ પર ગંભીર જોખમ ઉભું થયું છે.
ખુલ્લી ગટર મોતના કૂવા સમાન બની ગઈ!
વડોદરાના ખિસકોલી સર્કલ નજીક મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર મોતના કૂવા સમાન બની ગઈ છે. વ્યસ્ત રોડ હોવાને કારણે અહીંથી દિવસ-રાત વાહનો તેમજ રાહદારીઓ પસાર થાય છે. અંધારામાં અથવા વરસાદ દરમિયાન આ ખુલ્લી ગટર નજરે ન પડતાં કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો, રાહદારીઓ અને વૃદ્ધો માટે આ ખુલ્લી ગટર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે. ખુલ્લી ગટરના કારણે અકસ્માત થવાની શક્યતા સતત મંડરાઈ રહી છે. શહેરમાં અગાઉ પણ ખુલ્લી ગટરમાં પડી જવાથી ગંભીર અકસ્માતો સર્જાયા છે. તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં આવી જ ખુલ્લી ગટરમાં પડી જવાથી એક આશાસ્પદ યુવકનું મોત થયું હતું, છતાં પાલિકા તંત્ર હજુ પણ બેદરકાર વલણ દાખવી રહ્યું છે.
અધિકારીઓ પર રોષ
આ મુદ્દે વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે પાલિકાના અધિકારીઓ પર રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા પાલિકાની પ્રથમ જવાબદારી છે, પરંતુ ખુલ્લી ગટરો અંગે વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ મીંચી બેઠું છે. જો સમયસર ગટરના ઢાંકણા બંધ ન કરાયા અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની રહેશે. ખિસકોલી સર્કલ ઉપરાંત વડોદરાના અનેક વિસ્તારોમાં ગટરો ખુલ્લી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી આ ખતરનાક ગટરોને ઢાંકણાથી બંધ કરવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. નાગરિકોના જીવની સલામતી માટે પાલિકાએ હવે તો જાગૃત થવાની જરૂરિયાત ઊભી થઈ છે.




















