Mohsin Naqvi Admitted His Mistake: દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ટ્રોફી વિવાદે નવો વળાંક લીધો. બેઠકમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ મોહસીન નકવીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની માફી માંગી અને સ્વીકાર્યું કે જે બન્યું તે અયોગ્ય હતું.
મોહસીન નકવી અને BCCI ની વચ્ચે ઉગ્ર ચર્ચાઓ
આમ છતાં, તેમણે એશિયા કપ ટ્રોફી અને મેડલ BCCI ને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. નકવીએ BCCI ને કહ્યું કે, ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી સ્વીકારવા માટે દુબઈ આવવાની જરૂર છે. BCCI એ પ્રશ્ન કર્યો, "જ્યારે તમે ત્યાં હતા ત્યારે તેમણે ટ્રોફી સ્વીકારી ન હતી. શું તમને લાગે છે કે તે હવે લેશે?" મીટિંગમાં થયેલા ખુલાસા મુજબ, નકવીએ માફી માંગી હતી પરંતુ ટ્રોફી અને મેડલ પરત કરવાના પોતાના વલણ પર અડગ રહ્યા હતા. આનાથી ક્રિકેટ જગતમાં એશિયા કપ 2025 ટ્રોફીને લગતા વિવાદને વધુ વેગ મળ્યો છે.
ACC માં મતભેદો
મોહસીન નકવી આજે લાહોર જવા રવાના થશે, પરંતુ આ વિવાદની અસર અને તેના પરિણામો ઘણા દિવસો સુધી મીડિયા અને ચાહકોમાં ચર્ચાનો વિષય રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મુદ્દા પર ACC માં મતભેદો હતા, અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
એશિયા કપની ટ્રોફી ECB ના અધ્યક્ષ દ્વારા રજૂ કરવાની વાતચિત
એશિયા કપ 2025 ની ફાઇનલમાં, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. જોકે, મેચ પછીનું દ્રશ્ય આશ્ચર્યચકિત હતું. ભારતીય ટીમે ટ્રોફી વિના પોતાની જીતની ઉજવણી કરી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો. ત્યારપછી મોહસીન નકવી ટ્રોફી લઈને પોતાના હોટલ પરત ફર્યા. ભારતીય ખેલાડીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં અને ઇચ્છે છે કે, તે અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના ઉપાધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવે. જોકે, મોહસીન નકવીએ આ વાતનો ઇનકાર કર્યો.
'નકવીએ PCB ચેરમેન અથવા ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ'
બીજી બાજુ, પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના ચેરમેન મોહસીન નકવીને ખુલ્લેઆમ કહ્યું છે કે, તેમણે PCB અથવા ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળવો જોઈએ, કારણ કે "મેન ઇન ગ્રીન", પાકિસ્તાન ક્રિકેટ ટીમને તેમનું સંપૂર્ણ ધ્યાન અને સમયની જરૂર છે.
શાહિદ આફ્રિદીએ મોહસીન નકવી વિશે શું કહ્યું?
આફ્રિદીએ કહ્યું, "આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ પદો છે અને તેમની પાસે મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. PCB અને ગૃહ મંત્રાલય સંપૂર્ણપણે અલગ સંસ્થાઓ છે, તેથી તેમને અલગથી સંભાળવા જોઈએ. પાકિસ્તાન ક્રિકેટને ખાસ ધ્યાન અને સમયની જરૂર છે. નકવી ફક્ત સલાહકારો પર આધાર રાખી શકતા નથી. વર્તમાન સલાહકારો તેમને ક્યાંય લઈ જઈ રહ્યા નથી, અને નકવી પોતે સ્વીકારે છે કે, તેમની પાસે ક્રિકેટનું સંપૂર્ણ જ્ઞાન નથી. તેમણે સક્ષમ અને અનુભવી સલાહકારોની નિમણૂક કરવી જોઈએ જેઓ રમતને સારી રીતે સમજે છે."