Women's ODI World Cup 2025: મહિલા વન-ડે વર્લ્ડ કપની 13મી આવૃતિ 30 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 નવેમ્બર સુધી ભારત-શ્રીલંકામાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 31 મેચો રમાશે, જેમા કુલ 8 ટીમો બહગ લેશે. ફાઈનલ મેચ 2 નવેમ્બરે DY પાટિલ સ્ટેડિયમ નવી મુંબઈમાં રમાશે, પણ જો પાકિસ્તાનની ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે તો ફાઈનલ કોલંબોમાં યોજાશે. પ્રથમ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે બપોરે 3 વાગે શરૂ થશે.
ભાગ લેનારી ટીમો
ડાયરેક્ટ ક્વોલિફાયર થયેલ ટીમમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. ક્વોલિફાયર મારફતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટીમનો સમાવેશ થયો છે. 2000 પછી પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ થઈ.
સેમીફાઇનલ અને ફાઇનલ મેચના સ્ટેડિયમ
ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. દરેક ટીમ સાત મેચ રમશે. આ રાઉન્ડમાં જે 4 ટીમો ટોપમાં હશે, તે 4 ટીમોને સેમીફાઇનલમાં પ્રવેશ મળશે. પ્રથમ સેમીફાઇનલ મેચ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં થશે, અને બીજી સેમીફાઇનલ 30 ઓક્ટોબરે ડૉ. DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી, નવી મુંબઈમાં રમાશે. અને ફાઇનલ મેચ 2 નવેમ્બરે DY પાટિલ સ્ટેડિયમ નવી મુંબઈ અથવા કોલંબોમાં યોજાશે.
યજમાન શહેરો
ભારતમાં થનાર મહિલા ODI વર્લ્ડ કપ માટે ગુવાહાટી, ઇન્દોર, વિશાખાપટ્ટનમ અને નવી મુંબઈના શહેરો સામેલ છે. અને પાકિસ્તાનની મેચો અને નોકઆઉટ મેચો જો ક્વોલિફાય કરે તો તે બધી જ મેચો શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે.
ઇનામી રકમ
આ વખત ICC એ ઇનામની રકમમાં મોટો વધારો કર્યો છે. કુલ પ્રાઈઝ પૂલ આશરે ₹122 કરોડ રહેશે. જેમા વિજેતા ટીમને ₹39.5 કરોડ, રનર-અપ ટીમને ₹20 કરોડ, સેમિફાઈનલ હારનાર ટીમને ₹10 કરોડ પ્રતિ ટીમ અને લીગ સ્ટેજની દરેક જીતનાર ટીમને ₹30.29 લાખ મળશે.
ફાઇનલની દાવેદાર ટીમો
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 7 વાર ચેમ્પિયન રહી ચૂક્યું છે અને ફરી ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયાને કઠીન ટક્કર આપી છે, એટલે આ ત્રણેય ટીમ મુખ્ય દાવેદાર માનાઈ રહી છે.
હાઈ સ્કોરિંગ મેચોની અપેક્ષા?
છેલ્લા ચાર વર્ષમાં મહિલા ક્રિકેટમાં 300+ સ્કોર અનેક વખત બન્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ તો 400 સુધીનો સ્કોર બનાવ્યો છે. પરિણામે, આ વર્લ્ડ કપ પણ હાઈ સ્કોરિંગ થવાની પૂરી શક્યતા છે.
ભારત vs પાકિસ્તાનની મેચોનો ઇતિહાસ
ભારત vs પાકિસ્તાનની મેચ 5 ઓક્ટોબરે કોલંબોમાં રમશે. અત્યાર સુધીની 11 ODI મેચોમાં ભારતે દરેક વખત જીત મેળવી છે.
વરસાદના વિઘ્નની શક્યતા અને ટેલિકાસ્ટ
ઉત્તરપૂર્વીય ચોમાસું વહેલું આવી જતાં કેટલીક મેચ વરસાદથી પ્રભાવિત થવાની શક્યતા છે. વોર્મ-અપ મેચ દરમિયાન પણ વરસાદે ખલેલ પહોંચાડી હતી. ભારતમાં બધી મેચ સ્ટાર નેટવર્ક અને JioHotstar એપ પર લાઈવ જોવા મળશે.