દુબઈમાં ચાલી રહેલી એશિયા કપ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પાકિસ્તાની બોલર હરિસ રૌફને ક્લીન બોલ્ડ કરીને મેદાન પર જડબાતોડ જવાબ આપ્યો.
સામાન્ય રીતે શાંત સ્વભાવના બુમરાહે આ વખત પોતાની આક્રમકતા દર્શાવી. 18મી ઓવરમાં પાંચમા બોલ પર રૌફને બોલ્ડ કર્યા બાદ, બુમરાહે હરિસ રૌફના “પ્લેન સેલિબ્રેશન”ને જ તેમની ભાષામાં જવાબ આપતા હાથથી વિમાન ઉડાન ભરતું દર્શાવ્યું.
આ ઘટના બાદ પૂર્વ ભારતીય ખેલાડી ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા લખ્યું – "બુમરાહ ઉડાન ભરીને ઉતર્યો."
હરિસ રૌફ વિવાદોમાં
હરિસ રૌફ અગાઉ સુપર ફોર મુકાબલામાં ભારતીય ખેલાડીઓ અને ચાહકો સામે ઉશ્કેરણીભર્યું વર્તન કરી ચૂક્યો છે. તેણે “6-0” નો હાવભાવ બતાવીને ભારતીય ટીમ પર ટિપ્પણી કરી હતી. પરંતુ તે મેચમાં પાકિસ્તાનને ભારત સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલે પોતાના બેટથી રૌફની હરકતોનો જવાબ આપ્યો હતો. આજે ફાઇનલમાં, બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી રૌફને 4 બોલમાં ફક્ત 6 રન પર આઉટ કરીને યોગ્ય પ્રતિક્રિયા આપી.