Asia Cup Final IND vs PAK: ભારત વિરુદ્ધ પાકિસ્તાન એશિયા કપ 2025 ફાઇનલ રવિવાર, 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઇનલમાં ટકરાશે. આ મેચ ફક્ત ટ્રોફી માટે જ નહીં, પણ ગૌરવ અને પ્રતિષ્ઠા માટે પણ હશે.
મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ભારતીય સમય મુજબ ટોસ સાંજે 7:30 વાગ્યે થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં અગાઉ બંને ટીમો વચ્ચે ઘણી ઐતિહાસિક મેચો રમાઈ છે.
લાઈવ ક્યાં જોવી?
આ મેચ Sony Sports Network પર લાઈવ જોઈ શકે છે. ડિજિટલ લાઈવ સ્ટ્રીમિંગ Sony LIV અને FanCode એપ પર ઉપલબ્ધ રહેશે.
ભારત અને પાકિસ્તાનની સફર
ટીમ ઈન્ડિયા સમગ્ર ટુર્નામેન્ટમાં અજેય રહી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ, ટીમે દમદાર બેટિંગ અને બોલિંગ બંનેથી પ્રભાવિત કર્યા છે. બીજી તરફ, પાકિસ્તાને સુપર ફોરમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સલમાન અલી આગાના નેતૃત્વ હેઠળની ટીમ ફાઇનલમાં પોતાની નબળાઈઓને દૂર કરવા અને ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
ફાઇનલનો રોમાંચ, દુબઈની પીચ
એશિયા કપના 40 વર્ષથી વધુના ઇતિહાસમાં આ પહેલી ભારત-પાકિસ્તાન ફાઇનલ છે. દુબઈની પીચ બેટ્સમેન અને બોલર બંનેને મદદ કરશે તેવી અપેક્ષા છે. ચાહકોને આશા છે કે, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા અને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓ મેદાન પર પોતાની છાપ છોડશે.
બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ-11
ભારત - અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.
પાકિસ્તાન - સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફખર ઝમાન, હરિસ રઉફ, હસન અલી, ખુશદિલ શાહ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી.